હૈદરાબાદઃ રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત બની ગયા છે. 7 ડિસેમ્બરના રોજ થનારી રાજસ્થાન અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પ્રચારનો દોર પૂર્ણ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સીધો શાબ્દિક હુમલો કર્યો અને પ્રેસ કોન્ફરન્સ કરવાનો પડકાર આપ્યો.
રાહુલ ગાંધીએ હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું. ટ્વિટમાં રાહુલ ગાંધીએ લખ્યું કે પ્રિય મોદીજી, હવે ચૂંટણી પ્રચારનો દોર પૂર્ણ થઈ ગયો છે. હું આશા રાખું છું કે તમે વડાપ્રધાન તરીકે પોતાની પાર્ટ ટાઈમ જોબ માટે થોડો સમય કાઢશો તમારે વડાપ્રધાન બન્યાને 1654 દિવસ થઈ ગયા. પરંતુ આમ છતા તમે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. હૈદરાબાદમાં સંવાદદાતા સમ્મેલનના કેટલાક ફોટોગ્રાફ્સ આપની સાથે શેર કરી રહ્યો છું, કોઈપણ દિવસે કોશિશ કરો. સવાલોનો સામનો કરવો ખૂબ મજેદાર હોય છે.
ઉલ્લેખનીય છે કે તેલંગાણા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાહુલ ગાંધીએ સહયોગી ટીડીપીના નેતા ચંદ્રાબાબૂ નાયડુ સાથે સંયુક્ત સંવાદદાતા સંમ્મેલનને સંબોધન કર્યું હતું. હકીકતમાં તેલંગાણા અને રાજસ્થાનમાં એક જ દિવસે 7 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે અને આના માટે બુધવારના રોજ જ બંન્ને રાજ્યોના ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા. આપને જણાવી દઈએ કે પાંચ રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ 11 ડિસેમ્બરના રોજ આવશે.