આ મુદ્દાઓમાં ખાંડા ખખડાવતો ચૂંટણીપ્રચાર પૂરો, રાજસ્થાન અને તેલંગાણામાં 7 ડીસેમ્બરે મતદાન

નવી દિલ્હી- રાજસ્થાન અને તેલંગાણામાં બુધવારે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારનો અંત આવ્યો છે, હવે રાજસ્થાન અન તેલંગાણાં 7 ડીસેમ્બરને શુક્રવારે મતદાન થશે. રાજસ્થાનમાં 220 બેઠકો માટે મતદાન થશે. રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. જ્યારે તેલંગાણામાં 119 બેઠકો પર મતદાન થશે. તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતી(ટીઆરએસ)નો સામનો કોંગ્રેસ અને ટીડીપીના ગઠબંધન સાથે થયો છે. રાજસ્થાન અને તેલંગાણા સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ 11 ડીસેમ્બરે આવશે.રાજસ્થાન અને તેલંગાણાં ચૂંટણી પ્રચારના છેલ્લા કલાકો સુધી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે તડાફડી જોવા મળી હતી. મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અને ચાર પેઢીનો હિસાબ આપે, મારી પાસે ચાર વર્ષનો હિસાબ લેવા માટે આવ્યા છે. તેમજ રાહુલ ગાંધીએ પણ મોદીના કાર્યપ્રણાલીની સાથે રાફેલ ડીલથી માંડીને કરતારપુર કોરીડોર, મોંઘવારી, નોટબંધી, જીએસટી સુધીના મુદ્દા લઈને ટીકા કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે દુબઈથી પકડીને લાવેલ રાજદાર અને દલાલ મિશેલ હવે રાઝ ખોલશે પછી ખબર પડશે કે કોંગ્રેસે ઓગસ્ટા હેલિકોપ્ટરમાં કેટલી દલાલી લીધી છે. આમ ચૂંટણી પ્રચારમાં જોરદાર ફટકાબાજી જોવા મળી હતી. તો બીજી તરફ રાહુલ ગાંધીએ રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આપણાં કપડા અને મોબાઈલ મેડ ઈન ચાઈના લખેલા આવે છે, તેમ કહીને ભાજપની બેવડી નીતિની ટીકા કરી હતી.પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીઓમાં સૌથી પહેલા છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઈ ગયું છે. છત્તીસગઢમાં 12 અને 20 નવેમ્બરના રોજ મતદાન યોજાઈ ગયું છે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. હવે 7 ડીસેમ્બરે રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન થવા જઈ રહ્યું છે. આ તમામ રાજ્યોના ચૂંટણીના પરિણામ 11 ડીસેમ્બરે આવશે.