જયપુરઃ ગુર્જર સમાજને શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત પ્રથાનો લાભ આપવાની માગણીના ટેકામાં સમાજનાં લોકો ફરી આંદોલન પર ઉતર્યા છે. ગઈ કાલ રાતથી જ એમણે રેલ રોકો આંદોલન શરૂ કરી દીધું છે. એને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. અનેક ટ્રેનોને અન્ય રૂટ પર વાળવી પડી છે.
ગુર્જર નેતા વિજય બૈંસલાએ કહ્યું છે કે જ્યાં સુધી સરકાર અમારી માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અમને એનાથી ઓછું કંઈ ન ખપે.
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના પીલૂપુરા ગામ ખાતે ગુર્જરો ગઈ કાલે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પાટા પર બેસી જઈને આંદોલન શરૂ કર્યું હતું.
પીલૂપુરામાંથી પસાર થતી મુંબઈ-દિલ્હી રેલવે લાઈનના પાટાને અમુક આંદોલનકારીઓએ નુકસાન પહોંચાડ્યું હોવાનો અધિકારીઓનો દાવો છે.
અધિકારીઓએ કહ્યું કે કેટલાક આંદોલનકારોએ પાટા પરની ફિશપ્લેટ કાઢી નાખી હતી. જોકે થોડાક સમય બાદ પાટાને ઠીક કરી દેવામાં આવ્યા હતા અને આંદોલનકારોને દૂર કરી દેવાયા હતા.
કોટા વિભાગમાંથી પસાર થતી દિલ્હી-મુંબઈ લાઈન પરની ટ્રેન સેવાને અટકાવી દેવી પડી છે.
કોટા રેલવે વિભાગના તમામ સ્ટેશનો પર એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે.
કોટા રેલવે વિભાગમાં રેલવે પોલીસ ફોર્સ અને ગવર્મેન્ટ રેલવે પોલીસના 450 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે ભરતપુર, ધૌલપુર, સવાઈ માધપુર, દૌસા, ટોંક, બૂંદી, ઝાલાવાડ અને કરૌલી જિલ્લાઓમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરી દીધો છે.
ભરતપુર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
આ વખતે આંદોલનમાં ગુર્જર સમાજમાં બે ભાગ પડી ગયા છે. હિંમત સિંહના ગ્રુપે રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર સાથે વાટાઘાટ શરૂ કરી દીધી છે, પરંતુ નિવૃત્ત કર્નલ કિરોડીમલ બૈંસલાના સમર્થકો એમની સાથે સહમત નથી.