બિહાર-ચૂંટણીઃ આજે બીજા ચરણમાં 94-બેઠકો પર મતદાન

પટનાઃ બિહારમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં આજે સુરક્ષાના કડક બંદોબસ્ત વવચ્ચે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે. 28 ઓક્ટોબરે પહેલા તબક્કાનું મતદાન યોજાયું હતું. આજે 17 જિલ્લામાં 94 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આજનો તબક્કો રાષ્ટ્રીય જનતા દળના નેતા અને મહાગઠબંધનના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તેજસ્વી યાદવ તથા બીજા 1,450 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે.

મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે અને સાંજે 6 વાગ્ય સુધી ચાલશે. કોરોના વાઈરસના દર્દીઓ તથા આ રોગના લક્ષણ ધરાવતા લોકો પણ મતદાન કરી શકે એ માટે સાંજે પાંચ વાગ્યા પછી એક કલાક સુધી એમને માટે મતદાનનો સમય અલાયદો રખાશે.

નક્સલવાદી હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જોકે મતદાન વહેલું પૂરું કરાશે.

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના ઉમેદવાર સુશીલકુમાર મોદીએ રાજેન્દ્રનગરમાં અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને ખગડિયામાં મતદાન કર્યું હતું.

સુશીલકુમાર મોદી

તેજસ્વી યાદવ ઉપરાંત એમના મોટા ભાઈ તેજપ્રતાપ યાદવ પણ ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસના નેતા શત્રુઘ્ન સિન્હાના પુત્ર લવ સિન્હા પણ આ જ તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે.

આજના તબક્કામાં કુલ 2.85 કરોડ મતદારો છે.

ચિરાગ પાસવાન

કુલ ઉમેદવારોમાં 1,316 પુરુષો અને 146 મહિલાઓ છે. એક તૃતિય પંથીનો ઉમેદવાર છે.

ચૂંટણી પંચે 17 જિલ્લામાં મતદાન માટે 18,823 મતદાન કેન્દ્રો ઊભા કર્યા છે, જ્યાં 41,362 પોલિંગ બૂથમાં લોકો મત આપી શકશે.