પીવીઆર આઈનોક્સના 50 થિયેટરોના થશે ‘શટર ડાઉન’

મુંબઈઃ દેશમાં અગ્રગણ્ય મલ્ટીપ્લેક્સ ઓપરેટર્સ પૈકી એક, પીવીઆર આઈનોક્સ લિમિટેડ કંપનીએ આવતા છ મહિનામાં દેશભરમાં તેના 50 થિયેટરોને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. કંપનીએ હાલમાં જ તેના ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે આ વર્ષના જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિકમાં એને રૂ. 333 કરોડની ખોટ ગઈ હતી.

ખર્ચમાં કાપ મૂકવાના ઉદ્દેશ્ય સાથે કંપની આગામી છ મહિનામાં દેશભરમાં તેના 50 સ્ક્રીન બંધ કરી દેવાની છે. તેના આ નિર્ણયને પગલે શેરબજારમાં કંપનીનો શેર તૂટ્યો છે. તે જે થિયેટરોને બંધ કરવાની છે તે પ્રોપર્ટી ખોટમાં જઈ રહી છે. તદુપરાંત, આ થિયેટરો શોપિંગ મોલમાં હોવાને કારણે એમનો આગળ કોઈ રીતે વિકાસ થવાનો નથી. કંપનીએ તેની આવી પ્રોપર્ટીઓ પર જ ખોટ દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે પીવીઆર અને આઈનોક્સ – એમ દેશની ટોચની બે મલ્ટીપ્લેક્સ ઓપરેટર કંપનીઓએ આ વર્ષના આરંભમાં વિલિનીકરણ કર્યું હતું. આ કંપની આવતા વર્ષે 150-175 થિયેટર શરૂ કરવા ધારે છે.