પ્રિયંકા ગાંધી પ્રયાગરાજથી વારાણસી ગંગા નદી રૂટ દ્વારા જશે; એમને ‘ગંગાયાત્રા’ની પરવાનગી મળી

લખનઉ – મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વીય ઉત્તર પ્રદેશના મહામંત્રી તરીકે નિમાયેલાં પ્રિયંકા ગાંધી-વાડ્રાએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધી ટક્કર લેવાનું નક્કી કર્યું છે અને એ માટે તેઓ આજથી ચાર દિવસ માટે ઉત્તર પ્રદેશમાં રહેશે.

પ્રિયંકા ગાંધી પોતાનો ચૂંટણી પ્રચાર પૂર્વીય ઉત્તર પ્રદેશમાં શરૂ કરશે. એમણે એ માટે પ્રયાગરાજથી વારાણસી વચ્ચે નદી રૂટ પસંદ કર્યો છે. ‘ગંગા બોટયાત્રા’ દ્વારા લોકો સાથે સીધો સંપર્ક બનાવવાનું એમણે નક્કી કર્યું છે.

‘ગંગાયાત્રા’ શરૂ કરવા માટે પ્રિયંકાને સ્થાનિક વહીવટીતંત્રની મંજૂરી મળી ગઈ છે. આજે લખનઉ પહોંચ્યાં બાદ તેઓ આજે સાંજે જ પ્રયાગરાજ પહોંચશે.

મહામંત્રી બન્યાં બાદ ઉત્તર પ્રદેશમાં પ્રિયંકાનો આ બીજો પ્રવાસ છે. તેઓ સોમવારે પ્રયાગરાજ અને વારાણસીના અસ્સી ઘાટ વચ્ચે ગંગા નદીના 140 કિ.મી.ના રૂટ પર નૌકાપ્રવાસ કરશે. આ રૂટ પર આવતા નગરો અને ગામોનાં નદીકાંઠે રહેતા લોકોને તેઓ મળશે અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવાની અપીલ કરશે.

જલયાત્રા માટેની પરવાનગી શનિવારે મોડી રાતે કોંગ્રેસને આપવામાં આવી હતી.

પ્રિયંકા ઉત્તર પ્રદેશમાં એમનાં આ ચાર દિવસના રોકાણ દરમિયાન કેટલાક મંદિરો તથા દરગાહની પણ મુલાકાત લેશે.

પ્રિયંકા સ્ટીમરમાં પ્રવાસ કરશે અને નદીકાંઠે વસતા મતદારોને મળીને એમની સાથે વાતચીત કરશે.

ચાર દિવસના ઉત્તર પ્રદેશ પ્રવાસનો અંત વારાણસીમાં આવશે. વારાણસી વડા પ્રધાન મોદીનો સંસદીય મતવિસ્તાર છે.

2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઉત્તર પ્રદેશ રાજ્યમાં માત્ર બે જ બેઠક મળી હતી – અમેઠી અને રાયબરેલી. અમેઠીમાંથી રાહુલ ગાંધી અને રાયબરેલીમાંથી એ વખતનાં કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી ચૂંટાઈ આવ્યાં હતાં.