વડા પ્રધાન મોદીએ એમના ટ્વિટર હેન્ડલનું નામ બદલીને ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’ કર્યું

નવી દિલ્હી – લોકસભા ચૂંટણી પૂર્વે પોતાના તરફથી ગઈ કાલે ‘મૈં ભી ચોકીદાર’ ઝૂંબેશ શરૂ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના અંગત ટ્વિટર એકાઉન્ટનું નામ બદલીને ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’ કર્યું છે.

મોદીનું અનુસરણ કરીને ભાજપપ્રમુખ અમિત શાહ તથા પક્ષના અનેક ટોચના નેતાઓ તથા કેન્દ્રીય પ્રધાનોએ પણ પોતપોતાનાં ટ્વિટર હેન્ડલનું નામ બદલીને નામની આગળ ‘ચોકીદાર’ શબ્દ ઉમેરી દીધો છે.

અમિત શાહના ટ્વિટર એકાઉન્ટનું નામ હવે આમ વંચાય છેઃ ‘ચોકીદાર અમિત શાહ’. એવી જ રીતે, રેલવે પ્રધાન પીયૂષ ગોયલે પણ એમનું નામ બદલીને ‘ચોકીદાર પિયૂષ ગોયલ’ કરી દીધું છે. અન્ય પ્રધાનોમાં, જે.પી. નડ્ડા, ડો. હર્ષવર્ધન, ધર્મેન્દ્ર પ્રધાનનો સમાવેશ થાય છે.

ભાજપના અનેક સિનિયર નેતાઓએ પણ પોતપોતાના ટ્વિટર નામમાં ફેરફાર કર્યા બાદ અમિત શાહે ટ્વીટમાં લખ્યું છે કે, ‘જે વ્યક્તિએ સ્વચ્છતાને એક નૈતિક મૂલ્ય તરીકે બનાવ્યું છે, એ ચોકીદાર છે મૈં ભી ચોકીદાર. દિલથી કહો ‘ચોકીદાર ફિર સે’.”

ગઈ કાલે શનિવારે, વડા પ્રધાન મોદીએ ‘મૈં ભી ચોકીદાર’ ઝુંબેશ આદરી હતી. એમણે પોતાના ટ્વિટર પેજ પર આ જ ટાઈટલ સાથે એક વિડિયો પણ રિલીઝ કર્યો હતો.

એમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘તમારો ચોકીદાર દેશની સેવા માટે અડીખમ ઊભો છે, પરંતુ હું એકલો નથી. ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક દૂષણો સામે લડનાર દરેક જણ ચોકીદાર છે. ભારતની પ્રગતિ માટે સખત મહેનત કરનાર દરેક જણ ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહે છે, ‘મૈંભીચોકીદાર’.”

વડા પ્રધાન મોદીએ આ ઝુંબેશ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની કમેન્ટનો સામનો કરવા માટે આદરી છે. રાહુલ વારંવાર પીએમ મોદી અને એમની સરકારને કટાક્ષ કરતાં બોલતા હોય છે કે ‘ચોકીદાર ચોર હૈ’. રાહુલ આ સૂત્ર રફાલ જેટ વિમાન સોદામાં કથિતપણે લેવામાં આવેલી લાંચ વિશેના તેમના આક્ષેપના સંદર્ભમાં બોલતા હોય છે.

ભારતીય જનતા પાર્ટીએ લોકોને અપીલ કરી છે કે તેઓ 31 માર્ચે સાંજે 6 વાગ્યે એક વિડિયો કાર્યક્રમમાં જોડાય જેનું શિર્ષક છે ‘મૈં ભી ચોકીદાર’.