વડાપ્રધાન સાથે મુલાકાત બાદ મમતાનું નિવેદનઃ સીએએ-એનઆરસી પાછુ લેવા માંગ કરી

કોલકત્તાઃ નાગરકિતા કાયદો તથા એનઆરસી મુદ્દે મમતા બેનર્જીની આગેવાનીમાં તૃણમુલ કોંગ્રેસ મોદી સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજી રહી છે. આવા સંજોગોમાં કોલકાત્તામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનર્જી વચ્ચે મહત્વની મુલાકાત યોજાઈ હતી.

કોલકાત્તામાં ઉતરાણ કર્યા બાદ પીએ મોદી સીધા જ રાજભવન પહોંચ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને પીએમ મોદી વચ્ચે બેઠક યોજાઇ. એક તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ નાગરિકતા કાયદાના સમર્થનમાં અભિયાન ચલાવી રહી છે.

તો બીજી તરફ ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જી નાગરિકતા કાયદાના વિરોધમાં રોડ શો સહિતના કાર્યક્રમો યોજી રહી છે. ત્યારે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ મમતા બેનર્જીએ જણાવ્યું કે મેં વડાપ્રધાન મોદીને નાગરિકતા કાયદો, એનપીઆર અને એનસીઆર પરત લેવાની માંગણી કરી છે. સાથે જ કેટલાક નાણાકીય બાબતોને સ્પર્શતા મુદ્દાઓ પર પણ મેં પીએમ સાથે ચર્ચા કરી હતી.

એરપોર્ટ પર વડાપ્રધાનના સ્વાગત માટે મુખ્યમંત્રી મમતા બેનરજી પહોંચ્યા ન હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મમતા બેનરજીના મંત્રીએ તેમનુ સ્વાગત કર્યું હતું. કોલકાત્તાના મેયર પણ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે બીજેપીના અનેક મોટા નેતા એરપોર્ટ પર પહોંચ્યા હતા.