રાષ્ટ્રપતિપદની ચૂંટણી 18 જુલાઈએ? : ત્રીજા ECની નિમણૂકની શક્યતા

 નવી દિલ્હીઃ દેશને બે મહિનામાં નવા રાષ્ટ્રપતિ મળવાના છે. દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ યોજાવાની સંભાવના છે, એમ સૂત્રો કહે છે. જોકે ચૂંટણી પંચ આગામી સપ્તાહે આ ચૂંટણી માટે મતદાન કાર્યક્રમની ઘોષણા કરે એવી શક્યતા છે. ચૂંટણી પંચ 10 જૂને રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની જાહેરાત કરે એવી વકી છે. ચૂંટણી પંચે બે સંભવિત તારીખ નક્કી કરી છે. પંચે સસંદના અધિકારીઓની સાથે અન્ય પ્રોટોકોલને સહિત મતદાન કેન્દ્રોની ઉપલબ્ધતાની તપાસ કરી રહ્યું છે. વળી, પંચ ગૃહ મંત્રાલયને અને કાયદા મંત્રાલયને અનૌપચારિક રૂપે અલર્ટ કરશે.

નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રાજીવકુમાર પત્રકાર પરિષદ યોજીને રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો મતદાન કાર્યક્રમ જાહેર કરે એવી શક્યતા છે. રાજ્યસભાના મહા સચિવ પી. સી. મોદીને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચીફ રિટર્નિંગ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓએ લોકસભા અને રાજ્યસભાના સચિવાલયોની સાથે સંદેશવ્યવહારની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

નિર્વાચન સદનના વડા મથકમાં વહીવટી કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જ્યારે વડા પ્રધાનની ઓફિસમાં પણ રાજકીય ઘટનાક્રમ ઝડપથી આકાર લઈ રહ્યો છે. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે વડા પ્રધાન મોદી સાથે લાંબી બેઠક યોજી હતી. વડા પ્રધાને દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની સાથે બંધબારણે એક બેઠક યોજી હતી, જેમાં તેમણે રાષ્ટ્રપતિને અનૌપચારિક રીતે નિર્દેશ આપ્યા હતા કે તેમને ફરીથી રાષ્ટ્રપતિપદે આરૂઢ નહીં કરવામાં આવે, એમ ઉચ્ચ રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે આ સંદેશ ગૃહપ્રધાન અમિત શાહના માધ્યમથી આપ્યો હતો. આ સાથે મોદી સરકાર ત્રીજા ચૂંટણી કમિશનરની નિયુક્તિનું એલાન કરે એવી પણ શક્યતા છે. હાલ બે ચૂંટણી કમિશનરો- રાજીવ કુમાર અને અનુપ પાંડે છે. જેથી હવે પછી ત્રીજા ચૂંટણી કમિશનર સાથે ત્રણ સભ્યોની બેન્ચ બને એવી સંભાવના છે.