કોરોનાના દર્દીઓ પર પ્લાઝમા થેરેપીઃ પરિણામો મળ્યા પોઝિટિવ

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતુ રોકવા માટે દેશભરમાં લોકડાઉન છે. કોરોના વાયરસની સરવાર શોધી રહેલા ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. કોરોના વાયરસની સારવારમાં દિલ્હીને એક મોટી સફળતા મળી છે. દિલ્હીમાં કોરોના વાયરસની સારવાર માટે પ્લાઝમા થેરેપીનું ટ્રાયલ કરવામાં આવ્યું છે કે જેના શરુઆતી પરિણામો સકારાત્મક આવ્યા છે. આ ટ્રાયલની તમામ જાણકારી અને પરિણામો વિશે માહિતી આપતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ચાર દર્દીઓ પર પ્લાઝમા થેરેપી કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, એલએનજેપીમાં ચાર દર્દીઓ પર પ્લાઝમા થેરેપી કરવામાં આવી, જે ઘણા અંશે સફળ રહી. આ લોકો પર મંગળવારના રોજ થેરેપી કરવામાં આવી હતી. તાજેતરમાં જ દિલ્હીને પ્લાઝમા થેરેપીની ટ્રાયલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્લાઝમા થેરેપીની ટ્રાયલ કરવાની જવાબદારી દક્ષિણ દિલ્હીની ILBS હોસ્પિટલને આપવામાં આવી હતી. આ હોસ્પિટલના ડાયરેક્ટર ડો. એસકે સરીને જણાવ્યું કે, ટ્રાલય માટે 10 લોકોને પ્લાઝ્મા આપીને સ્ટડી કરીશું કે તેમના પર કેટલો અને કેવો પ્રભાવ પડ્યો છે.

જ્યારે કોઈ મનુષ્યને કોરોનાનું સંક્રમણ થાય છે તો તેનું શરીર સંક્રમણ સામે લડવા માટે લોહીમાં એન્ટીબોડી બનાવે છે. આ એન્ટીબોડી સંક્રમણને ખતમ કરવામાં મદદ કરે છે. અને મોટાભાગના મામલાઓમાં જ્યારે પર્યાપ્ત એન્ટીબોડી બની જાય છે તો વાયરસ નષ્ટ થઈ જાય છે. આવામાં તે વ્યક્તિ, જે વાયરસને માત આપીને સ્વસ્થ થઈ ગયો છે તે બ્લડ ડોનેટ કરે છે તો તેના લોહીમાંથી પ્લાઝમામાં ઉપસ્થિત એન્ટીબોડીને બીજા દર્દીમાં નાંખી શકાય છે. અને બિમાર અથવા સંક્રમિત શરીરમાં જઈને આ એન્ટીબોડી ફરીથી પોતાનું કામ શરુ કરે છે અને દર્દીઓને સાજા થવામાં મદદ કરે છે.