બરફમાં ફસાયેલી ગર્ભવતી મહિલાને સૈનિકોએ બચાવી; હોસ્પિટલમાં મહિલાએ ટ્વિન્સને જન્મ આપ્યો

શ્રીનગર – ઉત્તર કશ્મીરના બાંદીપોર જિલ્લામાં સખત હિમવર્ષા થઈ હતી. આસપાસ બરફનો ઢગલો છવાઈ ગયો હતો. એમાં એક મહિલાને પ્રસુતિનો કાળ નજીક આવ્યો હોઈ હોસ્પિટલમાં લઈ જવી ખૂબ જરૂરી હતી. મહિલા અને એનો પતિ એમનાં ઘરમાં ફસાઈ ગયાં હતાં. ભારતીય લશ્કરને આની જાણ થતાં સૈનિકો તાબડતોબ એમનાં ઘેર પહોંચી ગયા હતા અને મહિલાને સલામત રીતે હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં મહિલાએ ટ્વિન્સને જન્મ આપ્યો હતો.

મહિલાનાં પતિએ ભારતીય લશ્કરનાં જવાનોનો ખૂબ આભાર માન્યો છે.

આ ઘટના ગયા શુક્રવારે બની હતી.

બાંદીપોરમાં પનાર લશ્કરી છાવણીના કમાન્ડરને એક ગામવાસીએ મદદ માટે ફોન કર્યો હતો કે એની પત્ની ગુલશન બેગમ ગર્ભવતી છે અને એને હોસ્પિટલમાં પહોંચાડવી ખૂબ જરૂરી છે, પણ એમનાં ઘરની આસપાસ બરફ છવાઈ ગયો છે.એ વખતે હવામાન ખૂબ જ પ્રતિકૂળ હતું. કાતિલ ઠંડી હતી. લઘુત્તમ હવામાન માઈનસ સાત ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું હતું. તમામ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો..

રસ્તાઓ ઉપર પણ બરફનાં ઢગલા હતા. વાહનવ્યવહાર ઠપ હતો.

તે છતાં બાંદીપોર રાષ્ટ્રીય રાઈફલ્સનાં સૈનિકો એ માણસના ઘેર પહોંચી ગયા હતા અને એને એક સ્ટ્રેચર પર સુવડાવી હતી. ત્યાંથી સૈનિકો ઘૂંટણસમા બરફનાં ઢગલામાં પગપાળા અઢી કિલોમીટર જેટલું અંતર ચાલીને એ રસ્તે પહોંચ્યા હતા જ્યાં આર્મીની એમ્બ્યૂલન્સ ઊભી રાખી હતી. બાદમાં એમ્બ્યૂલન્સને જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પિટલ ખાતે ડોક્ટરોની પણ વ્યવસ્થા ભારતીય લશ્કરે જ કરાવી હતી.

જરૂરી ચેક-અપ બાદ માલૂમ પડ્યું હતું કે મહિલાને સીઝેરિયન કરવું પડશે એટલે એને ત્યાંથી આર્મીની જ એમ્બ્યૂલન્સમાં તાબડતોબ શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં એ જ રાતે મહિલાએ સુરક્ષિત રીતે જોડિયા બાળકીઓને જન્મ આપ્યો હતો.