રાજસ્થાનમાં ગુજ્જર અનામત આંદોલન હિંસક બન્યું; પોલીસ-દેખાવકારો વચ્ચે અથડામણ થઈ

જયપુર – ગુજ્જર સમાજે અનામત માટે આદરેલા આંદોલનમાં આજે હિંસા થઈ હતી. ધોલપુર હાઈવે પર પોલીસો અને દેખાવકારો વચ્ચે અથડામણ થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. દેખાવકારોએ રસ્તો રોકી દીધો હતો અને વાહનોને આગ ચાંપી હતી.

ગુજ્જર સમુદાયનાં લોકોએ અનામતની માગણીના ટેકામાં આજે સતત ત્રીજા દિવસે પણ એમનું આંદોલન ચાલુ રાખ્યું હતું અને સવાઈ માધોપુર જિલ્લામાં તેઓ રેલવેના પાટા પર બેસી ગયા હતા અને ટ્રેનવ્યવહાર અટકાવી દીધો હતો. દેખાવકારો પાટા પર બેસી ગયા હતા. કોઈક જગ્યાએ દેખાવકારોએ પાટામાંથી ફિશપ્લેટ્સ કાઢી નાખવાની પણ ઘટના બની હોવાનું કહેવાય છે.

એને કારણે રેલવે સત્તાવાળાઓને ત્રણ ટ્રેન રદ કરવાની અને એક ટ્રેનનો માર્ગ વાળવાની ફરજ પડી હતી.

ગુજ્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના વડા કિરોડીસિંહ બૈંસલા અને એમના સમર્થકો ગયા શુક્રવારની સાંજથી રેલ-રોકો અને રસ્તા-રોકો આંદોલને ઉતર્યા છે. છેલ્લા બે દિવસમાં પશ્ચિમ મધ્ય રેલવેને આશરે 200 જેટલી ટ્રેનોને કાંતો રદ કરવી પડી છે, ડાઈવર્ટ કરવી પડી છે અથવા એમની સફર અધવચ્ચેના સ્ટેશને જ સમાપ્ત કરી દેવાની ફરજ પડી છે.

અટવાઈ ગયેલા લોકોનાં ધસારાને ક્લીયર કરવા માટે પશ્ચિમ રેલવેએ અમુક સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી તથા પ્રવાસીઓને વૈકલ્પિક રૂટ આપવા પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે 2018ની 26 ઓક્ટોબરે રાજસ્થાન સરકારે એક ખરડો પાસ કર્યો હતો જેમાં અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી) ક્વોટાને 21 ટકાથી વધારીને 26 ટકા કર્યો હતો. 2018ના ડિસેંબરમાં રાજ્ય સરકારે ગુજ્જર સમાજ માટે તેમજ ચાર ઓબીસી વર્ગો માટે એક ટકા અનામતને મંજૂરી આપી હતી.

હાલ આ સમાજો ઓબીસી અનામત વ્યવસ્થાની ઉપરાંત મોસ્ટ-બેકવર્ડ કેટેગરી માટે 50 ટકા અનામતની કાયદેસર મર્યાદા હેઠળ એક ટકા અલગ રીતે અનામતનો લાભ મેળવે છે.