2જીનો ચુકાદો બદલી શકે છે તમિલનાડુનું રાજકીય ગણિત, BJP પાસે છે ઓપ્શન

નવી દિલ્હી– દિલ્હીની સ્પેશિયલ કોર્ટે 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં પૂર્વ ટેલિકોમ પ્રધાન એ.રાજા અને રાજ્યસભાના સાંસદ કનીમોઝી સહિત 17 લોકોને આરોપમુક્ત કર્યા છે. એ.રાજા અને કનીમોઝી બન્ને નેતાઓ DMK (દ્રવિડ મુનેત્ર કડગમ) પાર્ટીના નેતાઓ છે. કોર્ટના આ ચુકાદા બાદ હવે તમિલનાડુના રાજકીય સમીકરણો બદલાઈ શકે છે તેમ જાણકારોનું માનવું છે. સૂત્રોનું માનીએ તો ભારતીય જનતા પાર્ટી હવે DMK સાથે વધુ નિકટતા લાવી શકે છે.કોર્ટના ચુકાદાની તમિલનાડુના રાજકારણ પર સંભવિત અસર

એ. રાજા અને કનીમોઝીનું આરોપમુક્ત થવું એ DMK માટે નૈતિક અને રાજકીય બન્ને રીતે મહત્વનું માનવામાં આવે છે. રાજકીય પંડિતોનું માનીએ તો કોર્ટનો ચુકાદો DMKને આગામી વિધાનસભા ચૂંટણી અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણી બન્નેમાં લાભ અપાવી શકે છે.

મહત્વનું છે કે, DMKના આ બન્ને નેતાઓના આરોપમુક્ત થયા બાદ હવે ભારતીય જનતા પાર્ટીને DMK સાથે ગઠબંધન કરવામાં કોઈ અસમંજસ નહીં રહે. આપને જણાવી દઈએ કે, પીએમ મોદીએ ગત મહિને તેમના ચેન્નાઈ પ્રવાસ દરમિયાન DMK પ્રમુખ એમ. કરુણાનિધિ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદથી રાજ્યની રાજનીતિ અને DMK-BJP ગઠબંધનને લઈને અલગ અલગ કયાસ કાઢવામાં આવી રહ્યાં છે.

જોકે DMK સાંસદ તિરુચી શિવાએ રાજ્યમાં કોઈપણ પ્રકારના પુન:નિર્માણની વાતને પાયા વિહોણી ગણાવી છે અને કહ્યું કે, ‘અમે કોંગ્રેસની સાથે હતાં અને કોંગ્રેસની સાથે જ રહીશું’. પીએમ મોદી અને કરુણાનિધિની મુલાકાત ફક્ત ઔપચારિક મુલાકાત હતી. તેનું રાજકીય અર્થઘટન કરવું અસ્થાને છે.