સચીન ‘ઝીરો પર આઉટ’, ઘોંઘાટને કારણે ડેબ્યૂ ભાષણ કરી ન શક્યા

નવી દિલ્હી – દંતકથાસમા ભારત રત્ન સચીન તેંડુલકરનું રાજ્યસભામાં નિર્ધારિત પ્રથમ ભાષણ આજે થઈ શક્યું નહોતું, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રોષે ભરાયેલા કોંગ્રેસી સભ્યોનાં ઘોંઘાટે સચીનને બોલવા દીધા નહોતા.

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિશે તાજેતરમાં કરેલી ટિપ્પણી બદલ મોદી માફી માગે એવો આગ્રહ કરીને કોંગ્રેસી સભ્યો બે દિવસથી રાજ્યસભામાં ઘોંઘાટ કરી રહ્યા છે. એમણે આજે પણ એમનો શોરબકોર ચાલુ રાખ્યો હતો, પરિણામે તેંડુલકર એમનું ડેબ્યૂ ભાષણ આજે કરી શક્યા નહોતા.

કોંગ્રેસીઓના અસહ્ય શોરબકોરને કારણે ઉપરાષ્ટ્રપતિ અને ગૃહના અધ્યક્ષ વેંકૈયા નાયડુને ગૃહની આજની કાર્યવાહીને સ્થગિત કરી એને આવતી કાલ સુધી મુલતવી રાખવાની ફરજ પડી હતી. હવે તેંડુલકરને આવતીકાલે ફરી બોલવાનો મોકો મળશે.

તેંડુલકર ‘રાઈટ ટુ પ્લે અને ભારતમાં ખેલકૂદનું ભવિષ્ય’ વિષય પર સંબોધન કરીને આ મુદ્દા પરની ચર્ચાનો આરંભ કરવાના છે.

વેંકૈયા નાયડુએ કોંગ્રેસી સભ્યોને વારંવાર અપીલ કરી હતી કે તમે મહેરબાની કરીને શાંત થઈ જાવ, તેંડુલકર ભારત રત્ન નાગરિક છે. એમની સાથેનો આવો વ્યવહાર આખો દેશ જોઈ રહ્યો છે.

તે છતાં કોંગ્રેસી સભ્યો શાંત થયા નહોતા.

તેંડુલકરને 2012માં કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેંડુલકર ગૃહમાં આ પહેલી જ વાર સંબોધન કરવા ઊભા થયા હતા.

તેંડુલકર 2013માં ક્રિકેટમાંથી નિવૃત્ત થયા છે.