હિમાચલ પ્રદેશમાં સીએમને લઈને સસ્પેન્સ યથાવત, ધુમલના સમર્થકોએ કર્યા દેખાવો

શિમલા- ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતિ તો મેળવી લીધી છે. પરંતુ પાર્ટી સામે હવે રાજ્યમાં સીએમ કોને બનાવવા તેને લઈને નવી સમસ્યા ઉભી થઈ છે. સીએમ પદના ઉમેદવારની પસંદગી માટે રક્ષાપ્રધાન નિર્મલા સિતારમણ અને કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર શિમલા પહોંચ્યા છે, જ્યાં કોર કમિટિની બેઠકમાં સીએમના નામને લઈને ચર્ચા કરવામાં આવશે.

બીજી તરફ બેઠક સ્થળની બહાર પ્રેમકુમાર ધુમલના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ધુમલના સમર્થકોની માગ છે કે, પ્રેમકુમાર ધુમલને જ હિમાચલ પ્રદેશના સીએમ બનાવવામાં આવે. આપને જણાવી દઈએ કે, પ્રેમકુમાર વ્યક્તિગત રીતે વિધાનસભાની ચૂંટણી હારી ગયા હોવાથી ભાજપાના કાર્યકર્તાઓની માગ છે કે, ચૂંટણી જીતેલા અન્ય કોઈ યોગ્ય ઉમેદવારને સીએમ પદ માટે આગળ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી પહેલા જ પ્રેમકુમાર ધુમલને સીએમ પદના ઉમેદવાર ગણાવ્યા હતા, પરંતુ ધુમલ હારી જવા છતાં તેના સમર્થકો સતત તેમના નામને લઈને હોબાળો કરી રહ્યાં છે. ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ રાજ્યમાં સીએમ તરીકે અનુરાગ ઠાકુરનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. જોકે ધુમલ સમર્થકોના મતે અનુરાગ ઠાકુર સીએમ નહીં બની શકે. જેનું સમાધાન લાવવા પાર્ટી કોર કમિટિએ રક્ષાપ્રધાન નિર્મલા સિતારમણ અને કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને શિમલા મોકલ્યા છે.