સોનિયા ગાંધીના હસ્તક્ષેપ પછી કર્ણાટકનું રાજકીય સંકટ ઉકેલાયું

બેંગલુરુઃ કર્ણાટકમાં સરકારની રચનાની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ છે. કર્ણાટકથી દિલ્હી 100 કલાક ચાલેલા મંથન અને બેઠકોના દોર પછી CMના નામ પર મહોર લાગી છે. સિદ્ધારમૈયા મુખ્ય પ્રદાન હશે, જ્યારે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ ડીકે શિવકુમાર શિવકુમાર ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે. તેમને સરકારમાં મહત્ત્વના મંત્રાલય પણ આપવામાં આવશે. સોનિયા ગાંધીના હસ્તક્ષેપ પછી કર્ણાટકનું પૂરું રાજકીય સંકટ ઊકેલી શકાયું. હવે 20 મેએ કર્ણાટકમાં નવી સરકારની રચના થશે.

કોંગ્રેસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મંત્રીનો ચહેરો જાહેર નહોતો કર્યો. જોકે સમયાંતરે પ્રદેશાધ્યક્ષ ડીકે શિવકુમાલ અને સિદ્ધારમૈયા CM પદ માટે પોતપોતાની દાવેદારી રજૂ કરતા હતા. જોકે કોંગ્રેસના હાઇ કમાન્ડ સિદ્ધારમૈયાને CM અને શિવકુમારને ડેપ્યુટી CM બનાવવાના પક્ષમાં હતા. જોકે શિવકુમાર CM પદથી બીજી કંઈ લેવાના મૂડમાં નહોતા.

જોકે આ નિર્ણયથી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશે કહ્યું હતું કે તેઓ આ નિર્ણયથી સંપૂર્ણપણે ખુશ નથી. હું ખુશ નથી, પરંતુ કર્ણાટકના હિતમાં અમારે અમારું કમિટમેન્ટ પૂરું કરવાનું છે, એટલે શિવકુમારને માનવું પડ્યું હતું. ભવિષ્યમાં અમે જોઈશું. બહુ લાંબી સફર નક્કી કરવાની છે. હું ઇચ્છતો હતો કે ભાઈ મુખ્ય પ્રધાન બને, પણ આવું ના થયું, હવે અમે રાહ જોઈશું, એમ તેમણે કહ્યું હતું.

કર્ણાટકમાં કોંગ્રેસે બહુ મોટી જીત મેળવી છે, છતાં રાજ્યમાં ચૂંટણી પરિણામોનાં પાંચ દિવસના લોબીઇંગ અને ઊંડા મંથન પછી કોંગ્રેસ નેતૃત્વ મુખ્ય પ્રધાનની ખુરશી માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે વિવાદ ઉકેલી શકી હતી.