નવી દિલ્હીઃ ટ્વિટર પર ભારતનો ખોટો નકશો દર્શાવવા સંબંધે યુપી પોલીસે FIRમાં ટ્વિટર ઇન્ડિયાના પ્રમુખ મનીષ મહેશ્વરીનું નામ પણ સામેલ કર્યું છે. આ મહિનામાં યુપીમાં મનીષ મહેશ્વરી સામે બીજો FIR છે. જોકે ટ્વિટરે ભારતનો ખોટો નકશો દૂર કર્યો છે. આ પહેલાં ટ્વિટરે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશો તરીકે દર્શાવ્યા હતા. ટ્વિટરના Tweep Life સેક્શનમાં એ ખોટો નકશો બતાવવામાં આવ્યો હતો, જે પછી લોકોમાં ભારે ગુસ્સો હતો અને ટ્વિટર પર કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.
છેલ્લા એક મહિનામાં ટ્વિટર અને સરકારની વચ્ચે ટકરાવના કેટલાય મામલા સામે આવ્યા છે. બે દિવસ પહેલાં ટ્વિટરે આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદ અને સંસદીય સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસ નેતા શશિ થરુરના અકાઉન્ટને એક કલાક માટે બ્લોક કરી દીધા હતા. કેટલાક દિવસો પહેલાં ગાઝિયાબાદમાં મુસ્લિમ સિનિયર સિટિઝનની મારપીટને મામલે ભ્રામક માહિતી ફેલાવવાના આરોપમાં ટ્વિટર ઇન્ડિયાના પ્રમુખને FIR નોંધ્યા પછી પોલીસે તપાસ માટે બોલાવ્યા હતા.
ટ્વિટર દ્વારા RSSના કેટલાક નેતાઓના વેરિફાઇડ એકાઉન્ટથી બ્લુ ટિક હટાવવાનો મામલો પણ રાજકારણ ગરમાયું હતું. સરકારે 26 મેની સમયમર્યાદાની અંદર ડિજિટલ કંપનીઓ માટે લાગુ નવા આઇટી નિયમો લાગુ ન કરવા માટે ટ્વિટરને કાનૂની કાર્યવાહીમાંથી આપેલી છૂટ પરત લઈ લીધી હતી. આવામાં તેના પ્લેટફોર્મ પર કોઈ પણ આપત્તિજનક સામગ્રીને લઈને એણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. કેન્દ્રીય ઇન્ફોર્મેશન ટેક્નોલોજીપ્રધાન રવિશંકર પ્રસાદે હાલમાં સોશિયલ મિડિયા મંચ પર કહ્યું હુતં કે તેઓ બોલવાની આઝાદી અને લોકતંત્ર પર ભારતને ભાષણ ન આપે અને જો પ્રોફિટ કરતી આ કંપનીઓ ભારતમાંથી કમાણી કરવા ઇચ્છતી હોય તો એમણે ભારતના બંધારણ અને ભારતીય કાનૂનોનું પાલન કરવું પડશે.