નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીના તિલક માર્ગ ખાતે ભારતના પુરાતત્વીય સર્વેક્ષણ (એએસઆઈ)ના નવા મુખ્યાલયની ઈમારત ‘ધરોહર ભવન’નું ઉદઘાટન કર્યું. હતું. આ પ્રસંગે તેમણે ભારતના પુરાતત્વીય સર્વેક્ષણેમાં છેલ્લા 150 વર્ષથી વધુ સમયગાળામાં કરવામાં આવેલાં નોંધપાત્ર કાર્યની નોંધ લીધી હતી.એ.એસ.આઈ.નું નવું મુખ્યાલય અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે, જેમાં કાર્યક્ષમ ઊર્જા વ્યવસ્થા અને વરસાદી પાણીના સંગ્રહનો સમાવેશ થાય છે. તેમાં આશરે 1.5 લાખ પુસ્તકો અને સામયિકોના સંગ્રહ સાથેની સેન્ટ્રલ આર્કિયોલોજિકલ લાયબ્રેરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પીએમ મોદીએ આપણાં ઈતિહાસ પર અને સમૃદ્ધ પુરાતત્વીય વારસા પર ગર્વ લેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, લોકોએ સ્થાનિક ઈતિહાસ અને તેમના નગરો, શહેરો અને પ્રદેશોના પુરાતત્વ વિશે જાણવામાં ઉત્સાહ દર્શાવવો જોઈએ. સ્થાનિક પુરાતત્વના પાઠ શાળાના અભ્યાસક્રમનો ભાગ બની શકે છે. આ સંદર્ભમાં તેમણે પ્રશિક્ષિત સ્થાનિક પ્રવાસી માર્ગદર્શકના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો, જે તેમના વિસ્તારના ઈતિહાસ અને વારસાથી પરિચિત હોય છે. ભારતે ગૌરવ અને આત્મવિશ્વાસ સાથે વિશ્વને તેના મહાન વારસાને દર્શાવવો જોઈએ.તેમણે જણાવ્યું કે પુરાતત્વશાસ્ત્રીઓ દ્વારા લાંબા સમયના પ્રયાસો બાદ કરાયેલી દરેક શોધ પાછળ તેની પોતાની વાર્તા છે. આ સંદર્ભમાં તેમણે યાદ અપાવ્યું કે કેવી રીતે થોડા વર્ષો પહેલા તેઓ અને ત્યારના ફ્રેન્ચ રાષ્ટ્રપતિ, ભારત-ફ્રેચ ટીમ દ્વારા કરાયેલ પુરાતત્વીય શોધની પ્રથમ ઝાંખી લેવા માટે ચંદીગઢની યાત્રા પર ગયા હતા.