મોદીએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે અહીંની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એમ્સ) હોસ્પિટલ ખાતે જઈને કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લીધો હતો. વડા પ્રધાને પોતે જ આની જાણકારી એમના ટ્વિટર હેન્ડલ મારફત આપી છે. ટ્વીટની સાથે એમણે રસી મૂકાવતી પોતાની તસવીર પણ પોસ્ટ કરી છે. આ સાથે એમણે જનતાને અપીલ પણ કરી છે કે જે લોકો પાત્ર હોય તેઓ રસી લઈ લે. ચાલો, આપણે સાથે મળીને ભારતને કોવિડ-19 મુક્ત બનાવીએ. અહેવાલ મુજબ, પુડુચેરીનિવાસી સિસ્ટર પી. નિવેદાએ વડા પ્રધાન મોદીને ભારત બાયોટેકની કોવેક્સિન રસી મૂકી હતી.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાને જ ગઈ 16 જાન્યુઆરીએ સરકારપ્રેરિત રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ ઝુંબેશનો આરંભ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં દેશભરમાં 1 કરોડ 43 લાખથી વધારે લોકોએ કોરોના રસી લઈ લીધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઈરસના નવા 15,510 કેસ નોંધાયા હતા.