રાષ્ટ્રપિતા ગાંધીજીને 154મી જન્મજયંતીએ ટોચના નેતાઓની શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ દેશ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 154મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે સવારે અહીં રાજઘાટસ્થિત ગાંધીજીના સમાધીસ્થળે જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ જ રીતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ રાજઘાટ ખાતે ગાંધીજીના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

મોદીએ તે પૂર્વે X પ્લેટફોર્મ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતો સંદેશ પોસ્ટ કર્યો હતો. એમાં તેમણે લખ્યું છેઃ ‘ગાંધી જયંતીના વિશેષ પ્રસંગે હું મહાત્મા ગાંધીને નમન કરું છું. એમના કાલાતીત ઉપદેશો આપણા માર્ગને પ્રજ્વલિત કરતા રહેશે. મહાત્મા ગાંધીનો પ્રભાવ વૈશ્વિક છે, જે સમગ્ર માનવજાતને એકતા અને કરૂણાની ભાવનાને આગળ વધારવામાં પ્રેરિત કરે છે. આપણે સહુ હંમેશાં એમના સપનાઓને પરિપૂર્ણ કરવાની દિશામાં કામ કરતાં રહીએ. સર્વત્ર એકતા અને સદ્દભાવના ગુણોને બળવાન બનાવવાના એમણે સેવેલા સપનાને સાકાર કરવામાં એમના વિચારો દરેક યુવાજનને સક્ષમ બનાવે.’