નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમની સરકારની બીજી મુદત શરૂ કરવાના છે 30 મેથી. એ દિવસે તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ કરશે.
શપથવિધિ સમારોહમાં હાજરી આપવા માટે એમણે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીને આમંત્રણ આપ્યું છે અને એવું કહેવાય છે કે બેનરજીએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ સમાપ્ત થયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી અને બેનરજી વચ્ચે ઉગ્ર વાક્યુદ્ધ થયું હતું.
બંનેની પાર્ટી એક બીજા વિરુદ્ધ આક્રમક વલણ અખત્યાર કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપે તૃણમુલ સામે જંગ છેડ્યો છે. પશ્ચિમ બંગાળમાં દરેક તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન થયું હતું, પણ દરેક તબક્કા વખતે હિંસાના બનાવો પણ ખૂબ બન્યા હતા. તે છતાં એ રાજ્યમાં ભાજપ લોકસભાની 18 સીટ કબજે કરવામાં સફળ રહ્યો છે.
હવે તૃણમુલ કોંગ્રેસનાં બે વિધાનસભ્યો અને 50 નગરસેવકો આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. આમ, બંને પાર્ટી વચ્ચેનું રાજકીય યુદ્ધ વધારે ઉગ્ર બન્યું છે.
અગાઉ, મોદીએ કહ્યું હતું કે એમને તેમના એકેય રાજકીય હરીફ સાથે અંગત રીતે કોઈ વેરઝેર નથી અને મમતા બેનરજી તો પોતાને ઘણી વાર મીઠાઈ પણ મોકલતાં હોય છે.
સામે છેડે, બેનરજીએ મોદીની કેન્દ્ર સરકાર પર એવો આરોપ મૂક્યો હતો કે સરકાર પોતાના લાભ માટે લોકતાંત્રિક સંસ્થાઓનો દુરુપયોગ કરે છે.