નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને ફરી સંબોધિત કર્યા હતા. આ તેમના કાર્યક્રમની 79મી આવૃત્તિ હતી. આજે એમણે દેશવાસીઓને ખાદી ઉત્પાદનો ખરીદવાની તથા ‘ભારત જોડો આંદોલન’માં યોગદાન આપવાની અપીલ કરી હતી.
વડા પ્રધાને કહ્યું હતું કે દેશમાં દર વર્ષે 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણે આપણા જીવનમાં હેન્ડલૂમને વધારે લોકપ્રિય બનાવવા માટે શક્ય એટલું બધું જ કરી છૂટવું જોઈએ. છેલ્લા અમુક વર્ષોમાં ખાદીને મળેલી સફળતા જગજાણીતી છે. 2014ના વર્ષથી આપણે મન કી બાત કાર્યક્રમમાં અવારનવાર ખાદી વિશે ચર્ચા કરીએ છીએ. ખાદીનું વેચાણ ઘણું વધી ગયું છે. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું ઐતિહાસિક મહત્ત્વ ચે. 1905માં 7 ઓગસ્ટે સ્વદેશી આંદોલન પણ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આઝાદીના આંદોલન અને ખાદીનો ઉલ્લેખ થાય ત્યારે કુદરતી રીતે જ પ્રિય ગાંધી બાપુ યાદ આવી જાય. જે રીતે બાપુની નેતાગીરી હેઠળ ‘ભારત છોડો આંદોલન’ શરૂ કરાયું હતું એવી રીતે આજે દરેક દેશવાસીએ ‘ભારત જોડો આંદોલન’ની આગેવાની લેવાની જરૂર છે. મોદીએ વધુમાં કહ્યું કે, આપણા દેશના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં હેન્ડલૂમ એ કમાણીનું મોટું સાધન છે. આ એવું ક્ષેત્ર છે જેમાં લાખો મહિલાઓ, લાખો વણકર તથા લાખો શિલ્પીઓ સામેલ થયેલાં છે. આપ સહુ હેન્ડલૂમનું કંઈને કંઈ ખરીદો અને બીજાંઓને પણ કહો. આપણે જ્યારે આઝાદીનાં 75 વર્ષ ઉજવી રહ્યાં છીએ ત્યારે આટલું કરવાની આપણી જવાબદારી બને છે.