મોદીએ સામેથી ફોન કર્યો; બોર્ડ પરીક્ષાના ટોપર વિદ્યાર્થીઓ રોમાંચિત

અમરોહા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓમાં ટોપર રહેલા વિદ્યાર્થીઓ સાથે ગઈ કાલે પોતાના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમ દરમિયાન વાતચીત કરી હતી.

પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના અમરોહામાં રહેતા ઉસ્માન સૈફી સાથે વાત કરી, આમ અચાનક દેશના વડાપ્રધાન સાથે વાત કરતા ઉસ્માનની ખૂશીનો પાર ન રહ્યો. સૈફીએ કહ્યું, “હું એટલો બધો ખુશ છું કે, મારા શબ્દો દ્વારા મારી ખુશી વ્યક્ત કરી શકુ એમ નથી”. વડા પ્રધાને મને વૈદિક ગણિત શીખવા અને મિત્રોને શીખવવાની સલાહ આપી છે.

સૈફીએ કહ્યું, “હું વિશ્વાસ કરી શક્યો નહીં કે હું વિશ્વના શ્રેષ્ઠ નેતા સાથે વાત કરી રહ્યો છું.” વડાપ્રધાને સૈફી અને તમિલનાડુના નમક્કલની કાનિગા સાથે પણ વાતચીત કરી અને તેમની સફળતા બદલ તેમને શુભેચ્છા પાઠવી.

તો બીજી તરફ કેરળમાં રહેતા વિનાયક એમ. મલ્લિકનો પણ એ સમયે ખુશીનો પાર ન રહ્યો જ્યારે દેશના વડાપ્રધાને તેને ફોન કરીને કહ્યું કે, “શાબાશ વિનાયક શાબાશ! હાઉ ઈઝ ધ જોશ”?… વિનાયકે જવાબ આપ્યો “હાઈ સર.”

મહત્વનું છે કે ટોપર વિનાયકના પિતા મજૂરીકામ કરે છે. વિનાયકે 12મા ધોરણની પરીક્ષામાં વાણિજ્ય વિષયમાં ટોપ કર્યું છે. તે કેરલ નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી છે. વિનાયક એર્નાકુલમ અને ઇદુક્કીની સીમા પર સ્થિત એક ગામમાં રહે છે. વિનાયકે કુલ 500માંથી 493 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. તેણે એકાઉન્ટસી અને બિઝનેસ સ્ટડીમાં સો ટકા માર્ક્સ પ્રાપ્ત કર્યા છે.

પીએમ મોદી સાથે વાતચીત બાદ વિનાયકે કહ્યું ‘આજનો દિવસ તેને માટે ખુશીથી ભરપૂર છે.’

વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ પૂછ્યું કે કેટલા રાજ્યોની મુસાફરી છે? તેના જવાબમાં વિનાયકે કહ્યું કે ફક્ત કેરળ અને તામિલનાડુ.

‘મન કી બાત’ દરમિયાન મોદીએ ટોપરને દિલ્હી આવવા માટે નિમંત્રણ પણ આપ્યું હતું. જવાબમાં વિનાયકે કહ્યું કે પોતે વધુ અભ્યાસ માટે દિલ્હી યુનિવર્સિટીમાં અરજી કરી રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, ‘આવા યુવા મિત્રોની ઘણી વધુ વાતો છે, મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની હિંમત અને સફળતાની વાતો પ્રેરણા આપે છે. હું તમામ યુવા મિત્રોને અપીલ કરું છું કે દેશને પ્રેરણા મળે તેવી કહાનીઓ અમારી સાથે શેર કરો.’