નવી દિલ્હીઃ પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થામાં રહી ગયેલી ગંભીર ખામીની ઘટના વિશે એક તટસ્થ સમિતિ નિમવાના સૂચન સાથે સુપ્રીમ કોર્ટ આજે સહમત થઈ છે. આ તપાસ સમિતિની આગેવાની સુપ્રીમ કોર્ટના એક ભૂતપૂર્વ જજ લેશે. આ તપાસમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ, ચંડીગઢના પોલીસ વડા, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના ઈન્સ્પેક્ટર જનરલ અને પંજાબસ્થિત ADGP (સુરક્ષા)ને પણ સામેલ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. આ મામલામાં પોતપોતાની રીતે તપાસ ન કરવાનો કેન્દ્ર અને પંજાબની સરકારોને પણ આદેશ અપાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે વડા પ્રધાન મોદી ફિરોઝપુરમાં વિકાસ યોજનાઓના શિલાન્યાસ માટે ગયા હતા ત્યારે બઠિંડા શહેરના એક ફ્લાયઓવર પર એમનો કાર કાફલો 20 મિનિટ સુધી અટવાઈ ગયો હતો, કારણ કે રસ્તા પર દેખાવકાર ખેડૂતોએ અવરોધો મૂક્યા હતા. સુરક્ષા વ્યવસ્થામાં આવી ગંભીર ખામી સર્જાયા બાદ વડા પ્રધાનના કાફલાએ પરત જતા રહેવાનું નક્કી કર્યું હતું.