PM મોદીએ બ્રિટન સાથે માલ્યા, નીરવના પ્રત્યાર્પણનો ઉઠાવ્યો મુદ્દો 

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં આયોજિત G-20 શિખર સંમેલન દરમ્યાન PM મોદી અને બ્રિટનના PM કિર સ્ટાર્મરની વચ્ચે અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, એમાં PM મોદીએ કિર સ્ટાર્મરને કહ્યું હતું કે માલ્યા અને નીરવ મોદીને હવે ભારતને સોંપવામાં આવવા જોઈએ. બંનેના પ્રત્યાર્પણના પહેલાં પણ પ્રયાસ થઈ ચૂક્યા છે, પણ સફળતા નથી મળી.

ભારતમાં આર્થિક કૌભાંડો કરીને ભાગી છૂટેલા ભાગેડુ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા અને નીરવ મોદીને પાછા લાવવા માટે ભારતે બ્રિટિશ PM પર દબાણ કર્યું છે. G-૨૦ શિખર મંત્રણા વચ્ચે PM નરેન્દ્ર મોદીએ બ્રિટનના PM કિર સ્ટાર્મર સાથે દ્વિપક્ષી વાટાઘાટો કરી હતી.

PM નરેન્દ્ર મોદીએ સ્ટાર્મર સાથેની બેઠકને ખૂબ જ મહત્ત્વની ગણાવી હતી અને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ભારત માટે બ્રિટન સાથે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ છે. અમે ટેક્નોલોજી, ગ્રીન એનર્જી, સુરક્ષા, ઈનોવેશન અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સહયોગ કરવા માટે આતુર છીએ. જોકે આ બેઠકમાં ભારતે આર્થિક ગુનાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ ઉકેલવા પર પણ ભાર મૂક્યો. તેમણે ગુનેગારનું નામ નહોતું લીધું, પરંતુ તેઓ વિજય માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણની માગ કરી રહ્યા હતા તે સ્પષ્ટ છે. આ બેઠકમાં PM મોદીએ બેલફાસ્ટ અને માન્ચેસ્ટરમાં બે નવા મહાવાણિજ્ય દૂતાવાસોની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી.

વિજય માલ્યા કિંગફિશર એરલાઈન્સ સાથે સંકળાયેલા રૂ. ૯,૦૦૦ કરોડથી વધુનું દેવું નહીં ચૂકવવાના કેસમાં વોન્ટેડ છે. તે વર્ષ ૨૦૧૬થી ભારતથી ભાગીને બ્રિટન પહોંચ્યા હતા. બીજી બાજુ, નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં રૂ. ૧૩,૦૦૦ કરોડની છેતરપિંડીનો આરોપ છે. નીરવ મોદી પણ પાંચ વર્ષથી બ્રિટનમાં છે.