બેંગલુરુઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના પ્રવાસ દરમિયાન ચામરાજનગર જિલ્લાના મૈસુર શહેર નજીકના બાંદીપુર નેશનલ પાર્ક અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વની મુલાકાતે ગયા હતા. એમણે 50 વર્ષ પહેલાં ભારતમાં શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ ટાઈગરના વર્ષગાંઠ દિવસ નિમિત્તે એક ખાસ ‘સ્મરણોત્સવ કાર્યક્રમ’નું ઉદઘાટન કર્યું હતું. એ દરમિયાન મોદી હાલમાં જ ઓસ્કર એવોર્ડ જીતનાર દસ્તાવેજી ફિલ્મ ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’માં હાથીઓની સંભાળ કરતા દંપતી બોમન અને બેલીને મળ્યા હતા.
‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ નેટફ્લિક્સ ડોક્યૂમેન્ટરી ફિલ્મ છે. કાર્તિકી ગોન્સાલ્વીઝ દ્વારા દિગ્દર્શિત અને ગુનીત મોંગા દ્વારા નિર્મિત આ ફિલ્મ બોમન અને બેલી દંપતી તથા અનાથ થઈ ગયેલા હાથીના બચ્ચા રઘુ વચ્ચે લાગણીભર્યા સંબંધ વિશેની છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે બોમન અને બેલી હાથીના બચ્ચાની પરિવારનાં એક સદસ્યની જેમ કેવી સરસ રીતે સંભાળ લે છે.
બોમન-બેલી દંપતી તેમજ એમનાં બે હાથી રઘુ તથા બોમી સાથે મોદીની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. એક તસવીરમાં મોદીને હાથીની સૂંઢને પોતાની છાતી પર રાખીને હસતા જોઈ શકાય છે. બાજુમાં જ બોમન ને બેલી ઊભાં છે.
What a delight to meet the wonderful Bomman and Belli, along with Bommi and Raghu. pic.twitter.com/Jt75AslRfF
— Narendra Modi (@narendramodi) April 9, 2023
મોદી ટાઈગર રિઝર્વની મુલાકાતે
મોદી ખાખી રંગનું શર્ટ, ટ્રાઉઝર અને માથા પર જંગલ સફારી માટેની હેટ પહેરીને બાંદીપુર ટાઈગર રિઝર્વમાં ખુલ્લી જીપમાં ઘૂમ્યા હતા. ત્યં એમણે એક પુસ્તકનું વિમોચન કર્યું હતું અને કહ્યું કે, પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમની સફળતા એકલા ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે ગર્વ પ્રદાન કરનાર છે. ભારત એવો દેશ છે જ્યાં પ્રકૃતિનું સંસ્કૃતિના એક ભાગ તરીકે ગણીને રક્ષણ કરવામાં આવે છે. ભારતે વાઘ પ્રાણીઓનું રક્ષણ કર્યું છે એટલું જ નહીં, એમની જાતિ પાંગરે એવા પર્યાવરણીય વાતાવરણનું નિર્માણ કર્યું છે. મોદીએ કહ્યું કે, દુનિયામાં વાઘની જેટલી કુલ વસ્તી છે એમાંના 75 ટકા વાઘ ભારતમાં છે.
ટાઈગર રિઝર્વ ખાતે મોદીએ હાથીને શેરડી ખવડાવી હતી.