અમદાવાદઃ દેશ-વિદેશમાં કોવિડ-19ની અસરકારક રસી બનાવવા માટે તીવ્ર કામગીરી-પ્રયત્નો ચાલી રહ્યા છે. ભારતમાં પણ 3 શહેરમાં કોરોનાન-રસી બનાવવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના રસીના નિર્માણની પ્રક્રિયા કેટલી આગળ વધી છે એનો તાગ મેળવવા માટે આવતી કાલે ત્રણ શહેરોની મુલાકાત લેવાના છે. મોદી અમદાવાદમાં આવેલા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લેવાના છે. એ પછી હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લેવાના છે.
વડા પ્રધાનની મુલાકાતને લઈને અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઝાયડસના પ્લાન્ટ ફરતે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે તેમ જ તેમના માટે એક હેલિપેડ પણ તૈયાર કરાવવામાં આવ્યું છે.
સવારે નવ વાગ્યે અમદાવાદ
વડા પ્રધાન મોદી આવતી કાલે સવારે લગભગ 8.55 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાર બાદ તેઓ પ્લાન્ટની મુલાકાત લેવા જશે.
કેડિલા કંપની દ્વારા વેક્સિન
ઝાયડસ કેડિલા કંપની દ્વારા ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમિડ ડીએનએ વેક્સિન છે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની બે ટ્રાયલ પૂર્ણ કરી લેવામાં આવી છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા દવાઓનો 10 કરોડ ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે.
Tomorrow, PM @narendramodi will embark on a 3 city visit to personally review the vaccine development & manufacturing process. He will visit the Zydus Biotech Park in Ahmedabad, Bharat Biotech in Hyderabad & Serum Institute of India in Pune.
— PMO India (@PMOIndia) November 27, 2020
અમદાવાદથી પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ જશે મોદી
વડા પ્રધાન મોદી અમદાવાદ પછી બપોરે 12:30 કલાકે પુણે જશે. ત્યાં તેઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. જ્યાં લગભગ એક કલાક સુધી રહેશે. ત્યાંના રોકાણ દરમિયાન મોદી કોરોના રસી નિર્માણમાં થયેલી પ્રગતિ વિશેની જાણકારી મેળવશે. પુણે બાદ તેઓ હૈદરાબાદ માટે જવા રવાના થશે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પુણેમાં ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગમાં ‘કોવિશીલ્ડ’ નામે કોરોના રસી બનાવે છે. હૈદરાબાદની ભારત બાયોટેક કંપની ‘કોવેક્સિન’ નામની રસી બનાવે છે જ્યારે અમદાવાદની ઝાયડસ-કેડિલા તેના પ્લાન્ટમાં ‘ઝાયકોવ-ડી’ નામની રસી બનાવે છે.