બેસતું વર્ષઃ વડાપ્રધાન મોદી પવિત્ર કેદારનાથ ધામમાં

દેહરાદૂનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુઓનાં પવિત્ર યાત્રાસ્થળ કેદારનાથધામમાં આજે સવારે આવી પહોંચ્યા છે. એમણે મંદિરમાં પૂજા કરી હતી અને આદિ શંકરાચાર્ય સમાધિસ્થળનું લોકાર્પણ કર્યું હતું તથા મંદિર સંકુલમાં આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. 2013માં કેદારનાથમાં આવેલા ભયાનક પૂરમાં આદિ શંકરાચાર્યની સમાધિ ખંડિત થઈ ગઈ હતી. મોદી સરકારે તેનું પુનઃનિર્માણ કરાવ્યું છે.

કેદારનાથધામ ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 130 કરોડના ખર્ચે માળખાકીય વિકાસ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. આમાં સરસ્વતી રિટેનિંગ વોલ આસ્થાપથ અને ઘાટ, તીર્થ પુરોહિત ગૃહો, મંદાકિની રિટેનિંગ વોલ આસ્થાપથ અને મંદાકિની નદી પરના ગરુડ ચટ્ટી બ્રિજનો સમાવેશ થાય છે. આ માળખાકીય કાર્યોની પ્રગતિની વડા પ્રધાને સમીક્ષા કરી હતી. સવારે, પીએમ મોદી દેહરાદૂન એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે ઉત્તરાખંડ રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી અને રાજ્યપાલ ગુરમીતસિંહે એમનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન બન્યા બાદ મોદી આ બીજી વાર કેદારનાથ ધામની મુલાકાત-દર્શન માટે આવ્યા છે. આ પહેલાં 2019માં એમણે અહીંની મુલાકાત લીધી હતી.

અગાઉ સવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી સમુદાયનાં લોકોને ૨૦૭૮ના નવા, બેસતા વર્ષના અભિનંદન આપ્યા હતા. એમણે ગુજરાતીમાં ટ્વીટ કરીને શુભકામના આપી છે, ‘નૂતન વર્ષાભિનંદન’ કહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]