બ્રિટને કોરોના-સારવાર માટેની ગોળી ‘મોલનૂપીરાવીર’ને મંજૂરી આપી

લંડનઃ ઈન્જેક્શન લેવામાં સોય ભોંકાવાથી જે લોકોને ડર લાગતો હોય છે એવા લોકો માટે તેમજ કોરોનાવાઈરસ મહામારીની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે રાહતના સમાચાર છે. બ્રિટિશ સરકારે કોરોના મહામારીની સારવારમાં મદદરૂપ થાય એવી એન્ટીવાઈરલ ગોળી (ટેબલેટ, પિલ)ને મંજૂરી આપી છે. આ ગોળીનું નામ છે ‘મોલનૂપીરાવીર’. આ પ્રકારની ગોળી બનાવનાર બ્રિટન દુનિયાનો પહેલો જ દેશ બન્યો છે. આ ગોળી અમેરિકાસ્થિત ફાર્માસ્યુટિકલ કંપની મર્ક અને રીજબેક બાયોથેરાપ્યુટિક્સ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ‘મોલનૂપીરાવીર’ કોરોનાથી મૃત્યુ થવાના જોખમને અડધું કરી નાખે છે. આ ગોળી કોરોના સંક્રમણના લક્ષણ જણાય અને કોરોના સંક્રમણ થઈ જાય એના પાંચ દિવસની અંદર ખાઈ શકાય છે. બ્રિટનની મેડિસીન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યૂલેટરી એજન્સી (MHRA)એ કોવિડ-19 પોઝિટીવ દર્દીઓને આપવાની ભલામણ કરી છે. આ ગોળી 18 વર્ષથી ઉપરના પુખ્ત વયનાં લોકોને આપવાની પરવાનગી છે. એવા લોકોને કોરોનાના કમસે કમ એક લક્ષણનું નિદાન થયું હોવું જોઈએ. આ એન્ટીવાઈરલ ગોળી દિવસમાં બે વાર અને પાંચ દિવસ સુધી લેવાની હોય છે. આ ગોળીને મંજૂરી આપવી કે નહીં એ વિશેનો નિર્ણય અમેરિકાના તબીબી સલાહકારો આ મહિને નિર્ણય લેવાના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]