દક્ષિણ ભારતની મુલાકાતે પીએમ, ઓખી પ્રભાવિત વિસ્તારોનું કર્યું નિરીક્ષણ

ચેન્નાઈ- ગુજરાત અને હિમાચલની ચૂંટણીઓ પુરી થયા બાદ પીએમ મોદી ફરી એકવાર રોજીંદા કામમાં લાગી ગયા છે. આજે પીએમ મોદીએ ઓખી વાવાઝોડાંથી પ્રભાવિત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ લક્ષદ્વીપ, તમિલનાડુ અને કેરળ સહિત દક્ષિણ ભારતના અન્ય રાજ્યોની પણ મુલાકાત લીધી હતી. પીએમ મોદી સોમવારે મોડી સાંજે મેંગલોર પહોંચી ગયા હતાં. જ્યાંથી આજે તેઓ લક્ષદ્વીપ ગયા હતા અને ઓખી પ્રભાવિત વિસ્તારોમાં રિવ્યૂ મિટીંગ પણ કરી હતી.

આપને જણાવી દઈએ કે, ડિસેમ્બર મહિનીની શરુઆતમાં દક્ષિણ ભારતમાં ઓખી વાવાઝોડાંએ કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વિપના અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. અહીં આવતા પહેલા પણ વડાપ્રધાન મોદી આ વિસ્તારોમાં વાવાઝોડાથી ઉત્પન્ન સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યાં હતાં.

આજે પીએમ મોદીએ પોતાની મુલાકાત દરમિયાન દરેક સંબંધીત અધિકારીઓ સાથે ઓખી વાવાઝોડાંથી થયેલાં નુકસાન વિશે ઉંડાણપૂર્વક માહિતી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદથી ખાતરી આપી હતી. આ પહેલાં રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણે પણ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં તમિલનાડુના કન્યાકુમારી અને તિરુવનંતપુરમમાં ઓખી વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી.