નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીની જન્મજયંતીના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જળ જીવન મિશન’ એપ લોન્ચ કરી છે. તેમણે ‘જળ જીવન કોષ’ (રાષ્ટ્રીય જળ કોષ) પણ લોન્ચ કર્યો છે. તેમણે આ પ્રસંગે જળજીવન મિશનના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાને ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, ઉત્તરાખંડ, મણિપુર અને ગુજરાત સહિત દેશનાં પાંચ રાજ્યોમાં ‘જળ જીવન મિશન’ લોન્ચ કર્યું હતું.
વડા પ્રધાને આ દરમ્યાન કહ્યું હતું કે ગાંધી બાપુ અને લાલ બહાદુર શાસ્ત્રીના હ્દયમાં ભારતના ગામ વસેલાં હતાં. મને આનંદ છે કે લાખ્ખો ગામડાંના લોકો ગ્રામ સભાઓના રૂપમાં જળ જીવન સંવાદ કરી રહ્યા છે. જળ જીવન મિશનનું વિઝન, માત્ર લોકો સુધી પાણી પહોંચાડવા માટે જ નથી, પણ વિક્ન્દ્રીકરણની બહુ મોટી ચળવળ છે. એ Village Driven- Women Driven Movement છે. એનો મુખ્ય આધાર, જનઆંદોલન અને જનભાગીદારી છે.
ગાંધીજી કહેતા હતા કે ગ્રામ સ્વરાજનો વાસ્તવિક અર્થ આત્મબળથી પરિપૂર્ણ થવાનો છે, એટલે મારો નિરંતર પ્રયાસ છે કે ગ્રામ સ્વરાજનો એ વિચાર સિદ્ધિઓ તરફ આગળ વધે. આપણે એવી અનેક ફિલ્મો જોઈ છે, વાર્તાઓ વાંચી છે, કવિતાઓ વાંચી છે, જેમાં જણાવવામાં આવ્યું હોય કે કેવી રીતે ગામની મહિલાઓ અને બાળકો પાણી લેવા માટે કેટલાક કિલોમીટર ચાલીને પાણી ભરીને લાવે છે. કેટલાક લોકોના મનમાં ગામનું નામ લેતાં જ આવાં દ્રશ્યો બહાર આવે છે, પણ બહુ ઓછા લોકોના મનમાં એ સવાલ ઊભો થાય છે કે કેમ આ લોકોને પ્રતિ દિન નદી કે તળાવ સુધી પાણી ભરવા માટે જવું પડે છે?
તેમણે કહ્યું હતું કે દેશ આઝાદ થયો ત્યારથી 2019 સુધી દેશમાં માત્ર ત્રણ કરોડ ઘરો સુધી નળથી જળ પહોંચતું હતું, પણ જળજીવન મિશન શરૂ થયા પછી પાંચ કરોડ ઘરોને પાણીના કનેક્શન સાથે જોડવામાં આવ્યાં છે.