PM મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 26 મેએ કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મે મહિનાના અંતે નવા સંસદ ભવનનું ઔપચારિક ઉદઘાટન કરે એવી શક્યતા છે. અહેવાલ અનુસાર 26 મેએ વડા પ્રધાન મોદી દેશના નવા સંસદ ભવનનું ઉદઘાટન કરશે. નવ વર્ષ પહેલાં 26 મે, 2014એ વડા પ્રધાને વડા પ્રધાનપદના શપથ લીધા હતા.

એવી અટકળો છે કે G20  દેશોના સંસદના અધ્યક્ષોની બેઠક આ વર્ષના અંતમાં નવા સંસદ ભવનમાં થાય એવી શક્યતા છે. વળી, આગામી મોન્સુન સત્ર જે જુલાઈમાં શરૂ થવાનું છે, એ જૂની સંસદમાં આયોજિત કરવામાં આવશે. શિયાળુ સત્ર નવા ભવનમાં આયોજિત કરવાની શક્યતા છે.

નવા સંસદ ભવનની ખાસિયતો

નવું સંસદ ભવન રૂ. 970 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. એનું નિર્માણ જૂની સંસદની પાસે કરવામાં આવી રહ્યું છે. સંસદનું નવું ભવન ત્રિકોણીય હશે, જ્યારે હાલનું સંસદ ગોળાકારે છે. હાલનું સંસદ ભવન 95 વર્ષ જૂનું છે અને એવી ઇમારતની જરૂર મહેસૂસ કરવામાં આવી રહી હતી, જે ભવિષ્યની બધી જરૂરિયાત પૂરી કરી શકાય.

નવા સંસદ ભવનનું કામ 15 જાન્યુઆરી, 2021એ શરૂ થયું હતું અને એને ઓગસ્ટ, 2022 સુધી પૂરું થઈ જવાનું હતું. નવું સંસદ ભવન 64,500 સ્ક્વેર મીટર ક્ષેત્રમાં નિર્મિત છે અને ચાર માળની ઇમારતની સાથે એકસાથે 1224 સાંસદો માટે બેસવાની એમાં વ્યવસ્થા કરી છે.

નવા સંસદ ભવનના ત્રણ મુખ્ય દ્વાર છે, જેમાં જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર.  નવા ભવનમાં નીચલા સંસદ ભવનમાં 888 સભ્યોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યસભામાં 384 લભ્યોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંસદોને બેસવા માટે મોટો હોલ, એક લાઇબ્રેરી, સમિતિઓ માટે અનેક રૂમો, કેન્ટીન અને વિશાળ પાર્કિગની જગ્યા ભવનમાં કરવામાં આવી છે.