નવી દિલ્હીઃ દેશના કોરોના વાઇરસના સતત વધતા કેસને ધ્યાનમાં રાખતાં એ સંભવ નથી કે 14 એપ્રિલે લોકડાઉન ખતમ કરવામાં આવે. આ આંકડાઓને જોતાં વડા પ્રધાન મોદીએ લોકડાઉનના સમયમાં વધારો થવાના સંકેત આપ્યા છે. વડા પ્રધાન મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિપક્ષના નેતાઓ સાથે મિટિંગ કરી હતી. આ વિશેનો અંતિમ નિર્ણય 11 એપ્રિલે વડા પ્રધાન રાજ્યના મુખ્ય પ્રધાનો સાથેની બેઠકમાં લેશે. તેમણે કહ્યું હતું કે કોરોનાથી પહેલાં જિંદગી અને કોરોના પછી જિંદગી હવે એવી રહી નથી.
વડા પ્રધાનની સર્વપક્ષી બેઠક
વડા પ્રધાન મોદીએ બોલાવેલી સર્વપક્ષી બેઠક વિડિયો કોન્ફરન્સમાં કોંગ્રેસના ગુલામ નબી આઝાદ, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય, શિવસેનાના સંજય રાઉલ, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, બીએસપી નેતા સતીશ ચંદ્ર મિશ્રા, લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન, એનસીપીના નેતા શરદ પવાર અને ડીએમકે નેતા ટીઆર બાલુ સામેલ હતા. આમાં લોક જનશક્તિ પાર્ટીના એનડીએનો હિસ્સો છે.
લોકકડાઉન વધારવાની રાજ્યોની માગ
કોરોનાના બચાવ માટે અત્યારે 14 એપ્રિલ સુધી લોકડાઉન જારી છે. દેશનાં છ-સાત રાજ્યોના મુખ્ય પ્રધાનોએ પણ લોકડાઉનનો સમયગાળો વધારવાની માગ છે.
કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી
દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા વધીને 5,194 થઈ ગઈ છે. અત્યાર સુધી આ વાઇરસે 149 લોકોના જીવ લીધા છે. જ્યારે 402 લોકોની સારવાર પણ થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કોરોના વાઇરસે 35 લોકનાં મોત થયાં છે અને નવા 773 કેસો સામે આવ્યા છે. આમ હવે કોરોના વાઇરસને કારણે દર્દીઓની સંખ્યા ઉત્તરોઉત્તર વધીને 5,000ને પાર થઈ ચૂકી છે.