PM મોદીએ દેશની પહેલી રેપિડેક્સ ટ્રેનને બતાવી લીલી ઝંડી

નવી દિલ્હીઃ દેશને પહેલી રેપિડ ટ્રેનની ભેટ મળી છે. વડા પ્રધાન મોદીએ રેપિડ રેલનું ઉદઘાટન કર્યું છે. તેમણે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમનો શુભારંભ સાથે સાહિબાબાદને દુહાઇ ડિપોથી જોડનારી પહેલી રેપિડેક્સ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી.

તેમણે સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન પર દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના પ્રાયોરિટી સેક્શનનું ઉદઘાટન કર્યું હતું. આ ટ્રેનનું નામ ‘નમો ભારત’ રાખવામાં આવ્યું છે. આ ટ્રેનમાં 21 ઓક્ટોબરથી સામાન્ય પ્રવાસીઓ પ્રવાસનો આનંદ માણી શકશે.પહેલા તબક્કામાં દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના 17 કિમી લાંબા રૂટને શરૂ કરવામાં આવ્યો છે. આ કોરિડોરની કુલ લંબાઈ 82 કિમી છે, જેમાં 14 કિમીનો હિસ્સો દિલ્હીમાં છે, જ્યારે 68 કિમીનો હિસ્સો ઉત્તર પ્રદેશમાં છે.

વડા પ્રધાન મોદીએ રેપિડ ટ્રેનમાં ઉદઘાટન કર્યા પછી સ્કૂલનાં બાળકોની સાથે પ્રવાસનો આનંદ માણ્યો હતો. તેમણે ચાલક દળ સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાને આઠ માર્ચ, 2019એ આ પ્રોજેક્ટ માટે પાયાનો પથ્થર મૂક્યો હતો.

આ રેપિડેક્સ ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 100થી 160 સુધીની હશે.એ 17 કિમીનું અંતર 15થી 17 મિનિટમાં પૂરું કરશે.  દરેક સ્ટેશને 30 સેકન્ડ માટે થોભશે. આ ટ્રેનમાં કુલ છ કોચ હશે, જેમાં મહિલાઓ માટે અલગ કોચ હશે. આ ટ્રેન દર પાંચ મિનિટે ઉપલબ્ધ હશે. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 30,000 કરોડથી વધુના ખર્ચે વિકસિત કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન ગાઝિયાબાદ, મુરાદનગર તથા મોદીનગર શહેરો દ્વારા એક કલાકથી પણ ઓછા સમયમાં દિલ્હીથી મેરઠને જોડશે.