દિલ્હી વટહુકમને કાયદો બનાવવાનો તખતો તૈયાર

 નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં સાંજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દિલ્હી વટહુકમને કાયદો બનાવવા માટે સંસદમાં ખરડો લાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. દિલ્હીમાં વહીવટી અધિકારીઓ પર નિયંત્રણ માટે દિલ્હી વટહુકમને કાયદો બનાવવા માટે સંસદમાં બિલ લાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ બિલ સંસદના હાલના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવે એવી વકી છે.

દિલ્હીમાં વરિષ્ઠ વહીવટી અધિકારીઓની નિયુક્તિ અને સ્થાનાતંરણના અધિકારને લઈને દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર અને દિલ્હી સરકારની વચ્ચે કાનૂની વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કેન્દ્ર સરકારે 19 મેએ દિલ્હી સંબંધિત બંધારણની વિશેષ જોગવાઈ અનુચ્છેદ- 239AAના હેઠળ એક વટહુકમ બહાર પાડ્યો હતો.

કેન્દ્ર સરકાર તરફથી જારી વટહુકમ દિલ્હીમાં અધિકારીઓના સ્થાનાંતરણ, પોસ્ટિંગ અને સતર્કતાથી જોડાયેલા અધિકારોને લઈને નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની રચના કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં કહેવામાં આવ્યું છે કે ઓથોરિટીમાં દિલ્હીના મુખ્ય મંત્રી, મુખ્ય સચિવ ને પ્રધાન ગૃહ સચિવ હશે. એમાં અધિકારીઓની ટ્રાન્સફર, પોસ્ટિંગ અને સતર્કતા જેવા મુદ્દા પર નિર્ણય લેશે અને લેફ્ટ ગવર્નરની ભલામણોને મોકલશે. આમ આદમી પાર્ટી એનો વિરોધ કરી રહી છે અને એણે કોંગ્રેસ સહિત બધા પક્ષોનો આ મુદ્દે ટેકો માગ્યો છે. સુપ્રીંમ કોર્ટે વટહુકમને પડકારતી દિલ્હી સરકારની અરજીને પાંચ સભ્યોની ખંડપીઠને મોકલી આપ્યો છે.