સુભાષચંદ્ર બોઝની તસવીરવાળી ચલણી-નોટ છાપવાની નવી માગણી

કોલકાતાઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જેમ સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની તસવીરવાળી ચલણી નોટો પણ છાપવી જોઈએ અને કલકત્તા હાઈકોર્ટ એ માટે કેન્દ્ર સરકારને આદેશ આપે એવી માગણી કરતી એક પીટિશન વિશે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આઠ અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. આ અરજી 94 વર્ષના હરેન્દ્રનાથ બિશ્વાસ નામના એક નાગરિકે કરી છે. એમણે એવો દાવો કર્યો છે કે ભારત સરકાર દેશની આઝાદીની ચળવળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝે આપેલા યોગદાનને પૂરતું માન આપ્યું નથી. અરજદાર હરેન્દ્રનાથ બિશ્વાસનો દાવો છે કે પોતે પણ એક સ્વાતંત્ર્ય સેનાની હતા. કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને ન્યાયમૂર્તિ રાજર્ષી ભારદ્વાજે સુનાવણી વખતે ભારત સરકાર વતી ઉપસ્થિત રહેલા એડિશનલ સોલિસીટર જનરલ વાય.જે. દસ્તુરને આઠ અઠવાડિયામાં કેન્દ્ર સરકારનો જવાબ (સોગંદનામું) નોંધાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટ હવે આ કેસમાં 2022ની 21 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે.

કલકત્તા હાઈકોર્ટમાં 2017માં પણ કેન્દ્ર સરકાર પાસેથી આવો જ જવાબ માગ્યો હતો. ત્યારે સરકારે કહેલું કે ભારતીય કરન્સી નોટો પર મહાત્મા ગાંધી ઉપરાંત અન્ય રાષ્ટ્રીય નેતાઓની તસવીર દર્શાવવા માટે નોટની ડિઝાઈનમાં ફેરફાર કરવા અંગે એણે ભારતીય રિઝર્વ બેન્ક પાસેથી જવાબ મેળવવો પડશે. 2021ના ફેબ્રુઆરીમાં, મદ્રાસ હાઈકોર્ટે ચલણી નોટો પર નેતાજી સુભાષચંદ્ર બોઝની તસવીર મૂકવાની માગણી કરતી એક અરજીને નકારી કાઢી હતી. કોર્ટે એમ કહ્યું હતું કે દેશની આઝાદીની ચળવળમાં નેતાજી બોઝનું યોગદાન અજોડ હતું, પરંતુ કરન્સી નોટ પર એમની તસવીર મૂકવાની વિનંતીને મંજૂર કરી શકાય એમ નથી.