હરિયાણામાં 20 સીટો પર ફેરચૂંટણી કરવાની અરજી SCમાં દાખલ

નવી દિલ્હીઃ હરિયાણામાં નાયબ સૈનીના નેતૃત્વમાં નવી સરકારનું ગઠન થયું છે, ત્યારે હરિયાણા વિધાનસભાની 20 સીટો પર ફરીથી ચૂંટણી કરાવવાની માગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. પાર્ટીએ કોર્ટમાં અરજી દાખલ કરીને ત્વરિત સુનાવણીની માગ કરી છે. કોર્ટે એ અરજી પર ત્વરિત સુનાવણી કરાવવાનો વિશ્વાસ નથી આપ્યો. 

આ અરજીમાં ભાજપના CM નાયબ સૈનીના શપથગ્રહણ પર રોક લગાવવાની માગ કરવામાં આવી હતી. જોકે કોર્ટે નવી સરકારના શપથગ્રહણ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. અરજીકર્તાએ ચૂંટણીમાં 20 સીટો પર EVMમાં ગરબડીની આશંકા જાહેર કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ વિધાનસભા સીટો પર EVMની બેટરી 99 ટકા ચાર્જ હતી, જ્યારે બાકીની જગ્યાએ 60-70 ટકા બેટરી ચાર્જ હતી. એ સાથે અરજીકર્તાએ ચૂંટણી પંચને ફરીથી ચૂંટણી કરવાવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે. એ સાથે EVMને સ્ટોરેજ કરવાના નિર્દેશની પણ માગ કરવામાં આવી છે.

આ પહેલાં હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના એક પ્રતિનિધિમંડળે દિલ્હીમાં ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને ચૂંટણી પરિણામો પર વાંધા ઉઠાવ્યા હતા. કોંગ્રેસના પ્રતિનિધિમંડળમાં કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, પવન ખેડા અને અજય માકન જેવા વરિષ્ઠ નેતાઓ સામેલ હતા.

બીજી બાજુ, નાયબ સિંહ સૈનીએ બીજી વખત હરિયાણાના CM તરીકે શપથ લઈ લીધા છે. આ દરમિયાન 13 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. પંચકુલામાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં PM નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપની ટોચની નેતાગીરી ઉપરાંત ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં દેશભરમાંથી NDAના લગભગ દોઢ ડઝન નેતાઓ પણ અહીં પહોંચ્યા હતા.