ચેન્નાઈ – તામિલ નાડુના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આપેલા આદેશને મંજૂર રાખીને રાજ્યની સરકારે તુતીકોરીન શહેરમાં વેદાંત ગ્રુપના સ્ટરલાઈટ કંપનીના કોપર પ્લાન્ટને કાયમને માટે બંધ કરવાનો આદેશ આપી દીધો છે.
સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કહ્યું છે કે એ યુનિટને તાળાં મારી દે અને પ્લાન્ટને કાયમને માટે બંધ કરી દે.
પ્લાન્ટને કાયમને માટે બંધ કરી દેવાની દેખાવકારોએ કરેલી વિનંતીનો પોતે સ્વીકાર કર્યો છે એવું રાજ્ય સરકારે કહ્યું છે.
તુતીકોરીન શહેરમાં સ્ટરલાઈટના પ્લાન્ટ વિરુદ્ધ ઘણા દિવસો સુધી ચાલેલા આંદોલન અને ગયા અઠવાડિયે પોલીસ ગોળીબારમાં 13 જણનાં મરણ નિપજ્યા બાદ સરકારે આ પ્લાન્ટને બંધ કરાવી દીધો છે. આ પ્લાન્ટમાંથી ખૂબ પ્રદૂષણ ફેલાતું હોવાનો સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો હતો અને એને પગલે આંદોલન શરૂ થયું હતું.
રાજ્યના મુખ્ય પ્રધાન પલાનીસ્વામીએ કહ્યું છે કે મારી સરકારે પ્લાન્ટને અપાતો વીજપુરવઠો તથા પાણી પુરવઠો સ્થગિત કરી દેવાનો સત્તાવાળાઓને ક્યારનો આદેશ આપી દીધો હતો.
તામિલ નાડુ પ્રદૂષણ વિરોધી બોર્ડે સ્ટરલાઈટ પ્લાન્ટને ઓપરેટ કરવાની પરવાનગી આપવાનો ગઈ 9 એપ્રિલના પોતાના આદેશમાં ઈનકાર કર્યો હતો અને કંપનીની મેનેજમેન્ટને આદેશ આપ્યો હતો કે તેઓ બોર્ડની મંજૂરી વગર પ્લાન્ટમાં કામગીરી ફરી શરૂ ન કરે.