યુપી, બિહાર, ઝારખંડમાં હવામાન પલટાયું, આકાશી વીજળી પડતાં 37 લોકોના મોત

નવી દિલ્હી- ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને બિહારના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. આરાજ્યોમાં ભારે પવન અને આકાશી વીજળી પડવાના કારણે 37 લોકોના મોત થયા છે. આ પૈકી 12 લોકોના મોત ઉત્તરપ્રદેશમાં, 12ના મોત બિહારમાં અને ઝારખંડમાં વીજળી પડવાને કારણે 13 લોકોના મોત થયા છે.હવામાન ખાતાએ આગામી 24 કલાક દરમિયાન બારાબંકી, કુશીનગર, ગોરખપુર અને આઝમગઢમાં ફરીવાર તોફાન આવવાની ચેતવણી આપી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ હવામાન ખાતાએ વાતાવરણમાં પલટાની ચેતવણી ઉચ્ચારી છે. અહીં પ્રતિ કલાક 50થી 70 કિલોમીટરની ઝડપે તોફાન આવવાની હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે. ઉત્તરપ્રદેશ સરકારે મૃત્યુ પામેલા લોકો માટે વળતરની જાહેરાત કરી છે.

તોફાનને લીધે ઘણાં સ્થળોએ ઝાડ પડવાના પણ સમાચાર છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આવેલા વાવાઝોડામાં લગભગ 140 લોકોના મોત થયા હતા.

હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન બિહારના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થશે. જે જિલ્લાઓમાં વિશેષ ચેતવણી આપવામાં આવી છે તેમાં મુઝફ્ફરપુર, સમસ્તીપુર, વૈશાલી, પટના, દરભંગા અને આસપાસના નજીકના જિલ્લાઓનો સમાવેશ થાય છે. હવામાન ખાતાએ આશંકા વ્યક્ત કરી છે કે, આગામી 24 કલાકમાં તોફાન સાથે વરસાદ પડશે અને વીજળી પણ પડી શકે છે.