નૈઋત્યનું ચોમાસું કેરળમાં બેસી ગયું; મહારાષ્ટ્રમાં વહેલાસર પ્રવેશ કરશે

તિરુવનંતપુરમ/મુંબઈ – દેશના સત્તાવાર હવામાન અનુમાન વિભાગે તેના આજના અનુમાનમાં જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું આવતા 24 કલાકમાં કેરળના સમુદ્રકાંઠે બેસી જશે, પરંતુ હવામાન વિશે આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટનો દાવો છે કે ચોમાસું દક્ષિણ-પશ્ચિમ કાંઠે બેસી ગયું છે.

ભારતીય હવામાન વિભાગના ક્લાયમેટ પ્રીડિક્શન ગ્રુપના વડા ડો. ડી.એસ. પૈએ જણાવ્યું છે કે, નૈઋત્યનું ચોમાસું ગઈ 25 મેએ જ દક્ષિણ આંદામાન દરિયામાં આગળ વધ્યું હતું. ત્યારે વિભાગે આગાહી કરી હતી કે ચોમાસું કેરળમાં 29 મેએ બેસશે. હવે અમારી ધારણા છે કે એ આવતા 24 કલાકમાં જ કેરળમાં બેસી જશે. એ બાજુના સમુદ્રકાંઠા પર સારો વરસાદ પડી રહ્યો છે.

જોકે સ્કાયમેટનો દાવો છે કે કેરળમાં ચોમાસું આજે જ બેસી ગયું છે. સ્કાયમેટના સીઈઓ જતિન સિંહનું કહેવું છે કે કેરળમાં ચોમાસાનો વરસાદ આવી પહોંચ્યો છે.

સામાન્ય રીતે, કેરળમાં 1 જૂને ચોમાસું બેસતું હોય છે.

હવે ચોમાસું મહારાષ્ટ્રમાં પણ આગાહી મુજબ અમુક દિવસ વહેલો પ્રવેશ કરશે. ચોમાસા પૂર્વેનો વરસાદ તો રાજ્યના અનેક ભાગોમાં શરૂ પણ થઈ ગયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]