લોકડાઉન પછી ય માસ્ક વિના બહાર નહીં જવા દે યોગી

લખનૌઃ કોરોના વાઇરસને લઈને દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન છે. કેન્દ્ર સરકારની સાથે બધી રાજ્ય સરકારો જનતાને જોખમ પ્રત્યે જાગરુક કરતાં તેમને વાઇરસના ચેપથી બચાવવા માટે દરેક સંભવ પગલાં ભરી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકાર રાજ્યની 23 કરોડ જનતા માટે માટે 66 કરોડ ખાદીના વિશેષ ખાદી માસ્ક બનાવશે. રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે લોકડાઉન પૂરું થયા પછી માસ્ક લગાવ્યા વિના લોકોને ઘરેથી બહાર નીકળવાની અનુમતિ નહીં હોય.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે રાજ્ય સરકાર જનતા માટે 66 કરોડ ખાદીના ટ્રિપલ લેયર વિશેષ માસ્ક બનાવશે. આ ટ્રિપલ લેયર સ્વદેશી ખાદીનાં માસ્ક ઉત્તર પ્રદેશની બ્રાન્ડ હશે. આ માસ્ક ગરીબોને મફતમાં અપાશે. બાકીના લોકોને માસ્ક ઘણા સસ્તા મળશે. આ માસ્ક રિયુઝ વોશેબલ હશે. રાજ્યના દરેક નાગરિકને બે-બે માસ્ક આપવામાં આવશે.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે જો 14 એપ્રિલે લોકડાઉન પૂરું થાય છે ત્યારે મહામારી અધિનિયમ (એપિડેમિક ડિઝીસ એક્ટ) હેઠળ સૌએ માસ્ક પહેરવા પડશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો નિર્દેશ છે કે વગર માસ્કે ઘરની બહાર નીકળવાની બિલકુલ મંજૂરી નહીં હોય.

છેલ્લા 24 કલાકમાં 601 નવા કોરોનાના કેસ 

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા ડેટા મુજબ ભારતમાં કોરોના (કોવિડ-19)થી અત્યાર સુધી 68 લોકોના મોત થયાં છે અનમે આ રોગથી સંક્રમિત લોકોની સંખ્યા 2,900ની પાર પહોંચી ગઈ છે. દેશભરમાં અત્યાર સુધી કુલ સંક્રમિત 2,902 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં 601 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 12 જણનાં મોત થયાં છે. જોકે અત્યાર સુધી આ રોગના સંક્રમણથી કુલ 184 લોકો મુક્ત થઈ ચૂક્યા છે.