વિદેશમાં બેઠેલાઓ ભારત-વિરુદ્ધના ષડયંત્રોમાં સફળ નહીં થાયઃ મોદી

ગુવાહાટીઃ જ્યાં વિધાનસભાની ચૂંટણી આગામી મહિનાઓમાં જ યોજાવાનું નિર્ધારિત છે તે આસામ રાજ્યની મુલાકાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા અને ઉત્તર આસામના સોનિતપુર જિલ્લાના ધેકિયાજુલી નગરમાં યોજેલી એક જાહેરસભામા્ં ભારતવિરોધી વિદેશી તત્ત્વોની ઝાટકણી કાઢી હતી. કોઈનું પણ નામ લીધા વગર મોદીએ કહ્યું હતું કે વિદેશમાં બેઠેલા કેટલાક તત્ત્વો ભારત વિરુદ્ધ ષડયંત્ર ઘડે છે, પરંતુ આ દેશના લોકો એમને સફળ થવા નહીં દે. કેટલાક દસ્તાવેજો પરથી માલૂમ પડ્યું છે કે ભારત વિરુદ્ધના ષડયંત્રો વિદેશમાં બેસીને ઘડવામાં આવ્યા હતા. આપણા દેશને, આસામની ચાને દુનિયાભરમાં, પદ્ધતિસર બદનામ કરવાનું કાવતરું ઘડાયું હતું, પરંતુ ભારતની જનતાએ એમને સફળ થવા દીધા નથી. મોદીએ કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નામ દીધું નહોતું, પરંતુ ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં હાલ ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને ટ્વિટર મારફત ટેકો જાહેર કરીને 18-વર્ષીય સ્વિડીશ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે એક ટૂલકિટ (ખાનગી દસ્તાવેજ) શેર કરી દીધો હતો, પણ બાદમાં એ ટ્વીટને તેમણે ડિલીટ કરી દીધું હતું. એ ટૂલકિટનો ઉપયોગ ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટેનો હોવાનું ગ્રેટાએ કહ્યું હતું, પરંતુ દિલ્હી પોલીસે એને ભારતની જનતામાં વિદ્રોહ ઊભો કરનાર દસ્તાવેજ ગણીને પોતાની તપાસમાં સામેલ કરી દીધો છે. પોલીસ આ દસ્તાવેજ લખનારાઓને શોધી રહી છે અને તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.

126-બેઠકોવાળી આસામ વિધાનસભાની ચૂંટણી આ વર્ષના એપ્રિલ-મે મહિનામાં પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં યોજાય એવી ધારણા છે. આ રાજ્યમાં હાલ ભાજપનું શાસન છે.