અયોધ્યા કેસઃ ચુકાદાના પ્રતિભાવોના ડરથી લોકો સલામતી શોધવા લાગ્યા છે

અયોધ્યાઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય કોઇપણ દિવસે આવી શકે છે ત્યારે સ્થાનિકો કોઇપણ પરેશાની સામે પોતાને સજ્જ રાખવા માગે છે. લોકો પોતાના ખાવાપીવાનો સામાન ભેગો કરી રહ્યાં છે. બીજીતરફ પ્રશાસને પણ સુરક્ષાને લઇને વ્યવસ્થાઓ ગોઠવી છે.

અયોધ્યામાં હવા બદલાઈ રહી છે. આશંકાઓ અને તાણ અનુભવાઇ રહી છે. હવે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય કોઈપણ દિવસ આવી શકે છે, તેથી અહીંના લોકો તેમના નિર્વાહની તૈયારીઓ પૂર્ણ કરવા માગે છે. કેટલાક લોકોએ ખાદ્યપદાર્થો અને ઘરની અન્ય જરુરિયાતો એકત્રિત કરવાનું શરૂ કર્યું છે, જ્યારે કેટલાક મહિલાઓ અને બાળકોને સલામત સ્થળોએ મોકલી રહ્યાં છે. બીજી તરફ, વહીવટકર્તાઓ પણ અયોધ્યામાં સુરક્ષા અને શાંતિ જાળવવા માટે કોઈ કસર છોડવા માગતાં નથી.

કેટલાક લોકો લગ્ન રદ કરી રહ્યાં છે તો કેટલાક લગ્નનું સ્થળ જિલ્લાની બહાર નક્કી કરવામાં વ્યસ્ત છે. સૈયદવાડામાં મુસ્લિમ વસ્તીની સંખ્યા છે, જેમાં મંદિરો અને હિન્દુ પરિવારો પણ રહે છે. તે જ વિસ્તારમાં રહેતાં એક સ્થાનિકે જણાવ્યું કે , ‘તેઓ (સ્થાનિક રહેવાસીઓ) એકબીજા સાથે વાત કરે છે કે આ વખતે સૈયદવાડાને નિશાન બનાવાશે. આ ખૂબ ચિંતાનો વિષય છે.

એક વ્યક્તિએ પોતાનું નામ ન કહેવાની શરતે કહ્યું, ‘તે લોકો કહી રહ્યાં છે કે જો ચૂકાદો રામ મંદિરની તરફેણમાં નહીં આવે તો સંકટ આવી શકે છે. આવી પરિસ્થિતિમાં અમારા પરિવારને બીજે નહીં મોકલીએ તો શું કરીએ? ગયા વર્ષે નવેમ્બરમાં જ્યારે શિવસેના અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો શહેરમાં આવ્યાં હતાં, ત્યારે સમુદાયના કેટલાક લોકોએ પણ એવું કર્યું હતું.

ત્રણ પેઢીથી અયોધ્યાની જાણીતી હનુમાન ગઢી મંદિરની બહાર લાડુની દુકાન ધરાવતાં ઘનશ્યામદાસ ગુપ્તાએ જણાવ્યું, “અમે જરૂરી વ્યવસ્થા કરી છે અને ઘર માટે ચોખા, કઠોળ વગેરે ભરી લીધાં છે.” રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં એક પક્ષકાર રહેલાં ઓમર ફારૂકે કહ્યું કે તેમણે બધું જોઈ લીધું છે – 1990ની હિંસા, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ અને ત્યારબાદની તમામ ઘટનાઓ, 2010માં હાઈકોર્ટના ચૂકાદાના સમયનો તણાવ અને ગત વર્ષનું વાતાવરણ જ્યારે શિવસેના અયોધ્યા પહોંચી હતી આ બધાં છતાં, અયોધ્યાના લોકોને એકબીજા સાથે ક્યારેય મુશ્કેલી પડી નથી.. મુશ્કેલી ત્યા પડે છે જ્યારે લોકો બહારથી આવે છે. તે અમારા માટે ચિંતાનો વિષય છે.

દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ સમાજના આગેવાનો સાથે શાંતિસભાઓ યોજવામાં આવી છે. સોશિઅલ મીડિયા જૂથોની રચના પણ કરવામાં આવી છે, જેના દ્વારા પરિસ્થિતિની રીઅલ-ટાઇમ સમીક્ષા કરવામાં આવશે અને કટોકટીની સ્થિતિમાં વધારાનું સુરક્ષાદળ પણ ગોઠવી શકાશે.

ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અનુજકુમાર ઝાએ અખબાર સંવાદદાતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ઓક્ટોબર અને નવેમ્બરમાં હિન્દુ મહંતો અને મુસ્લિમ ઈમામો સાથે ઘણી બેઠકો યોજવામાં આવી છે અને તેમની ચિંતાઓ પ્રત્યો ધ્યાન આપવામાં આવ્યું છે તેમ જ સલામતીની ખાતરી આપી છે. અમે મુસલમાનોને ખાતરી આપી છે કે મુસ્લિમ બહુમતી અને મિશ્ર વસ્તી વિસ્તારો સહિતના તમામ સંવેદનશીલ વિસ્તારોનો સર્વે થયો છે અને ચૂકાદા પહેલાં અમે તે વિસ્તારોમાં સુરક્ષા દળો તૈનાત કરીશું. લોકોને ડરવાની જરૂર નથી. અમારો હેતુ સમગ્ર અયોધ્યામાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવવાનો છે.

જો કે, ચિંતાનું વાતાવરણ હજી છે.ક્ટોબરમાં, મુસ્લિમ સમુદાયે પક્ષકાર હાજી મહબૂબના ઘેર બેઠક યોજી હતી. ચર્ચા કરી હતી કે 2010માં હાઈકોર્ટનો નિર્ણય આવ્યો ત્યારે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. જો આ વખતે પણ તેમ કરવામાં આવે તો સારું. 1992ની ઘટના કેટલાક હજુ સુધી ભૂલ્યાં નથી.

અયોધ્યાના હોટલમાલિકો પણ આ વાત સાથે સહમત છે. હનુમાન ગઢીથી થોડે દૂર બિરલા ધર્મશાળાના મેનેજર પવનસિંહે કહ્યું કે, “લોકો ફક્ત નવેમ્બર અને ડિસેમ્બરમાં જ નહીં પણ આવતા વર્ષે ફેબ્રુઆરી સુધીનું બૂકિંગ રદ કરી રહ્યાં છે. અયોધ્યામાં સામાન્ય જનજીવન પ્રભાવિત તો થયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]