મંદિર પછી મસ્જિદ માટે ટ્રસ્ટ બનાવવા શરદ પવારનું સૂચન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટની રચના કરી છે, જેથી હવે મસ્જિદના નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવા માટે માગ ઊઠી છે. નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે સૂચન કર્યું છે કે અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે ટ્રસ્ટની રચના કરવી જોઈએ. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના મહા સચિવ ડી. રાજાએ તેમના સૂચનને સમર્થન કર્યું છે. ભારતનું ધર્મ નિરપેક્ષ સ્વરૂપ આ વિચારનો આધાર છે. કેન્દ્ર સરકારે દરેક ધર્મની સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે જો સરકાર મંદિર બનાવવા માટે ટ્રસ્ટની રચના કરી શકતી હોય તો આવો જ નિર્ણય મસ્જિદ બનાવવા માટે પણ કેમ નથી લેતી? મસ્જિદ નિર્માણ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો એક ભાગ છે. રાજ્ય સરકારે મસ્જિદ માટે પાંચ એકર જમીન આપવાની સાથે સાથે એના માટે ટ્રસ્ટ પણ બનાવવું જોઈએ.

પવારનું નિવેદન

પવારે હાલમાં જ કહ્યું હતું કે સરકારે અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે ફંડની વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર જો મંદિર માટે એક ટ્રસ્ટ બનાવી શકે તો એ મસ્જિદ બનાવવા માટે પણ ફંડ કેમ નથી આપતી?

બુધવારે ટ્રસ્ટની પહેલી મીટિંગ થઈ

સુપ્રીમ કોર્ટના નવેમ્બરમાં અયોધ્યાના ઐતિહાસિક ચુકાદા પછી રામ મંદિર નિર્માણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના બજેટ સત્રમાં કોર્ટે આપેલા નિર્દેશાનુસાર પાંચમી ફેબ્રુઆરીએ અયોધ્યા મામલે એક ટ્રસ્ટની રચના ગઠનની જાહેરાત કરી હતી. આ ટ્રસ્ટનું નામ શ્રીરામ જન્મ ભૂમિ તીર્થક્ષેત્ર છે. આ ટ્રસ્ટની પહેલી બેઠક પાછલા બુધવારે થઈ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મસ્જિદ બનાવવા માટે પણ જમીન ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યા હતા.