નવી દિલ્હી – રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર આજે અહીં કોંગ્રેસના કાર્યવાહક પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા હતા અને મહારાષ્ટ્રમાંની રાજકીય પરિસ્થિતિ વિશે એમને વાકેફ કર્યા હતા. બંને નેતાએ નક્કી કર્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકારની રચનાના મુદ્દે એમનાં બંને પક્ષ વધુ ચર્ચા કરશે.
એનસીપી અને કોંગ્રેસ સાથી પક્ષો છે અને તેઓ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વ હેઠળના શિવસેના પક્ષ સાથે સંભવિત જોડાણ કરવા માટે ચર્ચા કરી રહ્યાં છે. મુખ્ય પ્રધાન પદની વહેંચણીના મુદ્દે શિવસેનાને તેના ભાગીદાર પક્ષ ભારતીય જનતા પક્ષ સાથે ઝઘડો થતાં એમની સરકાર બની શકી નથી અને તેથી જ રાજ્યમાં રાજકીય સંકટ સર્જાયું છે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું છે કે શરદ પવાર આજે કોંગ્રેસ પ્રમુખને મળ્યા હતા અને મહારાષ્ટ્રમાંની પરિસ્થિતિ અંગે એમને સંક્ષિપ્તમાં વાકેફ કર્યા હતા. એવું નક્કી કરાયું છે કે એકાદ-બે દિવસમાં એનસીપી અને કોંગ્રેસના પ્રતિનિધિઓ દિલ્હીમાં મળશે અને સરકારની રચનાનાં મુદ્દે વધુ ચર્ચા કરશે.
આજે પવાર અને સોનિયા વચ્ચેની બેઠક અહીં 10, જનપથ સ્થિત સોનિયા ગાંધીનાં નિવાસસ્થાને યોજાઈ હતી અને તે લગભગ 50 મિનિટ સુધી ચાલી હતી.
મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાની હેઠળની સંયુક્ત સરકારની રચવાને આખરી ઓપ આપવા માટે છેલ્લા અમુક દિવસોથી કોંગ્રેસ અને એનસીપી વચ્ચે અનેક બેઠકો યોજાઈ ચૂકી છે.
એકેય પક્ષે સરકાર રચવાનો દાવો ન કરતાં મહારાષ્ટ્રને ગઈ 12 નવેંબરથી રાષ્ટ્રપતિના શાસન હેઠળ મૂકી દેવામાં આવ્યું છે.
288-સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપે સૌથી વધારે – 105 બેઠક જીતી છે જ્યારે શિવસેનાએ 56, એનસીપીએ 54, કોંગ્રેસે 44 તથા અન્ય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારોએ 28 બેઠકો જીતી છે.