નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટથી કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાને મોટો આંચકો લાગ્યો છે. વડા પ્રધાન મોદી અને તેમના પિતાની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીની મામલે તેમને રાહત નથી મળી. કોર્ટે પવન ખેડાની વિરુદ્ધ FIRને રદ કરવાથી ઇનકાર કરી દીધો છે. હવે કોંગ્રેસ પ્રવક્તાએ આ મામલે કેસનો સામનો કરવો પડશે.
પવન ખેડાએ અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે તેમની વિરુદ્ધ FIRને રદ કરવાથી ઇનકાર કર્યો હતો. મોદી પર આપત્તિજનક ટિપ્પણીને મામલે પવન ખેડાની વિરુદ્ધ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવ્યો હતો. પવન ખેડાએ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં વડા પ્રધાન અને તેમના પિતાની વિરુદ્ધ બિનજવાબદાર અને ખોટી ટિપ્પણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ વર્ષે માર્ચમાં વડા પ્રધાનની વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીને મામલે ખેડાની વિરુદ્ધ બધી FIR એકસાથે ક્લબ કરી દીધી હતી. એ સાથે કોર્ટે વચગાળાના જામીનની સમયમર્યાદા વધારી દીધી હતી. તેમની વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં બે અને આસામમાં એક FIR નોંધવામાં આવી હતી.
કોંગ્રેસ પ્રવક્તા ખેડાની 23 ફેબ્રુઆરીએ દિલ્હીના એરપોર્ટથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમને રાયપુર જતા વિમાનમાંથી પણ ઉતારી દેવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. વાસ્તવમાં કોંગ્રેસ પ્રવક્તાએ વડા પ્રધાનનું પૂરું નામ બોલતાં તેમના પિતાનું નામ ખોટું બોલ્યું હતું.ત્યાર બાદ તેમણે ભૂલ સુધારી હતી, પણ ફરીથી ખોટું નામ લઈને ટોણો માર્યો હતો. એ વખતે તેમના નિવેદન પર ખૂબ ધમાલ મચી હતી.