નવી દિલ્હીઃ રેલવેએ આજે જાહેરાત કરી છે કે જે પ્રવાસીઓને કોરોના વાઈરસ બીમારીના લક્ષણને કારણે ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે એમને એમની ટિકિટનું પૂરેપૂરું રીફંડ આપવામાં આવશે.
રેલવેએ ઈસ્યૂ કરેલા એક ઓર્ડરમાં જણાવાયું છે કે મેડિકલ સ્ક્રીનિંગ વખતે જો કોઈ પ્રવાસીને કોરોના વાઈરસના લક્ષણો સાથેનો ઊંચો તાવ કે અન્ય લક્ષણો હશે તો એને તેની પાસે કન્ફર્મ્ડ ટિકિટ હશે તો પણ સફર કરવા દેવામાં નહીં આવે. એવા પ્રવાસીને એની ટિકિટનું પૂરેપૂરું રીફંડ આપવામાં આવશે.
રેલવેની કંપની IRCTC તે પ્રવાસીના બેન્ક ખાતામાં ટિકિટ રીફંડના પૈસા જમા કરાવી દેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રેલવે પ્રવાસીઓ માટે મેડિકલ સ્ક્રીનિંગ ફરજિયાત બનાવ્યું છે અને જેમને કોરોનાનાં કોઈ લક્ષણ નહીં હોય એમને જ ટ્રેનોમાં ચડવા દેવામાં આવશે.
રેલવેના ઓર્ડરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ધારો કે કોઈએ ગ્રુપમાં ટિકિટો લીધી હોય અને એમાંના કોઈ એક પેસેન્જર સફર માટે ફિટ ન ગણાય અને એની સાથેના બીજા તમામ પેસેન્જરો પણ પ્રવાસે ન જવાનું ઈચ્છે તો તે બધાયને ટિકિટનું પૂરું રીફંડ આપી દેવામાં આવશે. બીજી બાજુ, ધારો કે આવી જ પરિસ્થિતિમાં કોઈ અન્ય પ્રવાસીઓ સફર પર જવાનું ઈચ્છે તો એમને સફર પર જવા દેવામાં આવશે.
આવા તમામ કેસોમાં, આરંભિક સ્ટેશન પર જ ટિકિટ ચેકર પેસેન્જરને સર્ટિફિકેટ ઈસ્યૂ કરશે કે તે કોરોના વાઈરસના લક્ષણ હોવાને કારણે સફર કરી શકશે નહીં.
