કશ્મીરમાં 39 જણનો ભોગ લેનાર બસ અકસ્માતની તપાસ માટે સમિતિ રચાઈ

શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીરના ડોડા જિલ્લાના અસ્સાર ગામ નજીક ગઈ કાલે એક બસને નડેલા ભયાનક અકસ્માતના કારણ વિશે તપાસ કરવા આ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્રએ ત્રણ-સભ્યોની એક સમિતિની રચના કરી છે. સમિતિના સભ્યો છેઃ ડો. રવિકુમાર ભારતી (ડોડા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ), સુપ્રીન્ટેન્ડિંગ એન્જિનીયર અને આસિસ્ટન્ટ રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસર. સ્થાનિક લોકોનો આરોપ છે કે જિલ્લામાં આ સ્થળે રસ્તાઓની હાલત એટલી બધી ખરાબ છે કે અહીં અવારનવાર અકસ્માતો થાય છે. ઘણા લોકો બેફામ વાહન ડ્રાઈવ કરે છે અને વાહનોમાં વધારેપડતો માલસામાન ભરે છે, જેને કારણે પણ અકસ્માતો થાય છે.

અકસ્માતમાં ઘાયલ થયેલા એક જણનું આજે હોસ્પિટલમાં મૃત્યુ થતાં મરણાંક વધીને 39 થયો છે. અકસ્માતમાં 20 જેટલા બસ પ્રવાસીઓને ઈજા થઈ હતી. બસ ગઈ કાલે રસ્તા પરથી સરકીને, ગબડીને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.