મુંબઈઃ અહીંથી નજીકના પાલઘર જિલ્લાના વસઈ (વેસ્ટ)માં દરિયાકિનારા નજીક ગઈ કાલે એક અજ્ઞાત બોટ ખડક સાથે ટકરાઈને ફસાયેલી મળી આવતાં સ્થાનિક પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ બોટ વસઈના ભૂઈગાંવ-કળંબ બીચથી 10 સમુદ્રી માઈલ દૂર દરિયામાં નજરે પડી હતી. આ બોટ નાનકડા કદના બાર્જ પ્રકારની છે. અમુક સ્થાનિક લોકોએ પોલીસને જાણ કર્યા બાદ તપાસ શરૂ કરાઈ હતી.
આ બાબત શંકા ઉપજાવનારી એટલા માટે છે કે સામાન્ય રીતે માછીમારો માછલી પકડવા માટે એમની હોડીઓને આ ખડકવાળા ભાગમાં લઈ જતા નથી. ગઈ કાલે કોસ્ટગાર્ડના અધિકારીઓએ એક નાનકડા નિરીક્ષક વિમાનને પણ બોટનું નિરીક્ષણ કરવા માટે મોકલ્યું હતું, પરંતુ એ વખતે મોસમ ખરાબ હોવાને કારણે બોટમાં કોઈ વ્યક્તિ કે કોઈ પ્રકારની હિલચાલ સ્પષ્ટ રીતે દેખાઈ નહોતી. હવે આજે ડ્રોનની મદદથી બોટની તપાસ કરાશે અને ત્યારબાદ એનો માલિક કોણ છે એ શોધી કઢાશે.
(તસવીરઃ પ્રતીકાત્મક)