શ્રીનગર- પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી ઉત્તર કશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી આ ‘નાપાક’ હરકતમાં ભારતીય સેનાના એક મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. સાથે જ અથડામણમાં ભારતીય સૈન્યએ ચાર આતંકવાદીઓને પણ ઠાર માર્યા છે.મળતી માહિતી મુજબ ગત રાતથી ઘણા આતંકવાદીઓ ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. ત્યારબાદ ભારતીય સૈનિકોએ સર્ચ આપરેશન હાથ ધર્યું હતું. એ સમયે સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરુ થયું હતું. જેમાં આતંકીઓએ ભારતીય સૈનિકો ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. બાદમાં ભારતીય સૈનિકોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન તરફથી ફાયરિંગ આતંકવાદીઓને કવર કરવા અને ભારતમાં ઘૂસાડવા માટે કરવામાં આવે છે. જેથી ભારતીય સૈનિકોનું ધ્યાન બીજી તરફ દોરી શકાય અને આતંકીઓને સરળતાથી ભારતમાં ઘૂસાડી શકાય.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન તરફથી આ વર્ષે પણ અનેકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. હાલમાં ગત મે મહિના દરમિયાન પાકિસ્તાને ઘણા દિવસો સુધી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું. જોકે બાદમાં ભારતીય સેનાએ જવાબી ફાયરિંગ કરતાં પાકિસ્તાનને ફાયરિંગ રોકવાની ફરજ પડી હતી અને ભારતીય સેનાને ફાયરિંગ નહીં કરવા પાકિસ્તાને અપીલ કરી હતી.